Rajkot,તા.04
વીસ લાખની વસ્તી, સાડાપાંચ લાખથી વધુ મિલ્કતો, પૂર્વ મુખ્યમંત્રીથી વડાપ્રધાનનો મતવિસ્તાર રહી ચૂકેલ અને સૌરાષ્ટ્રનું એક સમયનું પાટનગર, વિશ્વના ઝડપથી વિકસતા મહાનગરમાં સમાવિષ્ટ એવા રાજકોટની મહાનગરપાલિકાનું તંત્ર અગ્નિકાંડ પછી
ભ્રષ્ટ અફ્સરો જેલમાં ગયા બાદ સુધરવાને બદલે સુસ્ત બની ગયું છે. સ્થાનિક ડઝનેક અધિકારીઓએ રાજીનામા આપી પદ છોડી દીધું છે તો હાલ પખવાડિયાથી મ્યુનિ.કમિશનર રજા ઉપર હોવા છતાં તેનો ચાર્જ આપવા પણ સરકારને કોઈ અધિકારી મળ્યા નથી.
મ્યુનિ.કમિશનર અંગત કામ સબબ હજુ એક પખવાડિયાની રજા પર રહેનાર હોવાના અહેવાલો છે ત્યારે માત્ર ઈન્ચાર્જ મુકવાને બદલે તંત્રને ચાર્જ કરે તેવા અધિકારીને ચાર્જ આપવાની જરૃર છે. માત્ર ધણીધોરી ન હોવા તે પ્રશ્ન તો સામાન્ય છે, મનપાના આજી રિવર ફ્રન્ટ જેવા અનેક પ્રોજેક્ટ કાગળ પર છે તો રસ્તા સુધારણા જેવી સેવાઓ પણ હજુ ખખડધજ છે. ઈન્ચાર્જ સિટી ઈજનેરો વધુ સમય આપીને મથી રહ્યા છે પરંતુ, નેતૃત્વનો અભાવ વર્તાય છે. અને આ મુદ્દે ખુદ ભાજપના જ સાંસદ અને ધારાસભ્યએ પણ સરકારનું ધ્યાન દોર્યું છે.
મનપામાં શાસકપક્ષ કાર્યક્રમોમાં સક્રિય રહ્યો છે પરંતુ, કાર્યમાં ઉદાસીનતા છે. સ્થાયીસમિતિમાં દેખીતા જ કૌભાંડની ગંધ આવે તેવા ટીપરવાનનો ૧૧૦૦ કરોડનો કોન્ટ્રાક્ટ શંકાસ્પદ રીતે મંજુર કરી દેવાનું કામ તો ફટાફટ થઈ જાય છે પરંતુ, મનપાની સેવાઓમાં,રોજબરોજની કામગીરી કે જે એક એક નાગરિકને રોજેરોજ સ્પર્શતી હોય છે તેમાં ગતિશીલતા લાવવામાં, કર્મચારીઓમાં ઉત્સાહનો સંચાર કરીને નૈતિક બળ વધારવામાં શાસકો સફળ રહ્યા નથી.
બે ચીફ ફાયર ઓફિસરો જેલભેગા થયા બાદ હાલ આ વર્ગ-૧નો ચાર્જ વર્ગ-૩ના કર્મચારીને અપાયો છે પરંતુ, તેણે અગાઉ રાજીનામુ ધરી દીધું છે. ઘણા અધિકારીઓ સ્ટ્રેસથી બી.પી.,ડાયાબીટીસનો ભોગ બન્યાનું જણાવે છે પરંતુ, સૂર્યઘરનો પ્રચાર કરવા વોર્ડવાઈઝ કેમ્પ યોજતા શાસકોને કર્મચારીઓ માટે મેડીકલ અને મોટીવેશનલ કેમ્પ યોજવાનું સુઝતુ નથી. બજેટમાં રહેલી આશરે રૃ।.૧ હજાર કરોડથી વધુ રકમની યોજનાઓ કાગળ પર જ રહી ગઈ છે અને નવા બજેટની તૈયારીનો સમય આવી ગયો છે.
ત્રણેય ઝોનમાં સિટી ઈજનેરો ઈન્ચાર્જ છે અને તેમને પાણી,રસ્તા,બાંધકામ,ગટર સહિત અનેકવિધ કામગીરી ઉપરાંત ગેરકાયદે બાંધકામોને નોટિસ,ડિમોલીશનની જવાબદારી પણ થોપી દેવાઈ છે જેના પગલે પ્લાન પાસ સહિતની કામગીરીને પણ માઠી અસર પહોંચી છે. રૃટીન કામગીરી જ વધારે હોય છે તેથી રસ્તા પહોળાા કરવા,દબાણો હટાવવા, માર્જીન-પાર્કિંગ ખુલ્લા કરવા, સુઆયોજિત વિકાસ આગળ વધારવાનું કામ ટલ્લે ચડયું છે.