Rajkot,તા.08
શહેરમાં વધુ એકવાર નજીવી બાબતે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. ફક્ત રૂ. 2500ની ઉઘરાણીમાં 29 વર્ષીય યુવક પર હુડકો ચોકડી નજીક છરી વડે હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે યુવકે સમગ્ર મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમાલા ખોરોની શોધખોળ હાથ ધરી છે.
શહેરના કોઠારીયા રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતા અને કલરકામનો વ્યવસાય કરતા નીતીનભાઈ ભરતભાઈ સરવૈયા (ઉ.વ.૨૯)એ આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં સંજય ગૌસ્વામી અને અજયનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાની આસપાસ હુ હુડકો ચોકડી પાસે મોમાઇ ચાની હોટલ ખાતે હતો. દરમિયાન સંજય ગોસ્વામી તથા અજય મારી પાસે આવેલ હતા. મે આ સંજય ગોસ્વામી પાસેથી રૂ.૨૫૦૦ લીધેલ હોય જે પૈસા સંજયે મારી પાસે માંગતા મે કહેલ કે હુ તને બે-ત્રણ દીવસમા પૈસા આપી દઈશ.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, પૈસાની ઉઘરાણી કરતા સંજય અને અજયે મને બેફામ ગાળો આપવા લાગેલ હતા. જેથી મેં ગાળો બોલવાની ના પાડતા સંજય ગોસ્વામીએ ઢીંકાપાટુનો માર માર્યો હતો. બાદમાં અજયે પોતાના પેંટના નેફામાંથી છરી કાઢી મને ગળાની ડાબી બાજુના ભાગે મારી દીધેલ જેથી મને લોહી નીકળવા લાગેલ હતું. હુમલાના પગલે આસપાસના લોકો એકત્રિત થઇ જતાં બંને હુમલાખોરો સ્થળ પરથી નાસી ગયાં હતા. દરમિયાન મારા મિત્ર મુકેશભાઈ ત્યા આવી ગયેલ હોય તેમણે મને ૧૦૮ મારફતે સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો.
મામલામાં આજીડેમ પોલીસે સંજય ગૌસ્વામી અને અજય વિરુદ્ધ ગુનો નોંધી બંને હુમલાખોરોની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. મામલાની તપાસ હાલ હેડ કોન્સ્ટેબલ એચ કે ડાંગર અને ટીમ ચલાવી રહી છે.