Rajkot. તા.20
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ગાંધીનગર યોજાતી ક્રાઈમ કોન્ફરન્સ હવે મહાનગરોમાં પણ યોજાવાની જાહેરાત કર્યા બાદ રાજકોટમાં પ્રથમ વખત આજે ડિજીપીની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સનો વ્હેલી સવારથી જ પ્રારંભ થયો હતો. જેમાં નવ રેન્જ આઈજી, ચાર સીપી, સીઆઇડી, એટીએસ, લો એન્ડ ઓર્ડરના વડા સહિત 18 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. ક્રાઈમ કોન્ફરન્સને લઈ શહેર પોલીસમાં ધમધમાટ જોવા મળ્યો હતો અને કમિશ્નર કચેરીમાં આઈપીએસ અધિકારીઓની ચહલ પહલ જોવા મળી હતી.
રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં સમયાંતરે ડિજી કક્ષાના અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી ક્રાઈમ રેટ ઘટાડવા સહિતની બાબતો પર ચર્ચા કરી અધિકારીઓ દ્વારા પોતાના વિચારો રજુ કરવામાં આવતાં હોય છે. ડીજીપીએ થોડાં સમય પહેલાં એક નવી પહેલ શરૂ કરી હતી.
જેમાં નિયમિત ગાંધીનગરમાં જ મળતી ક્રાઈમ કોન્ફરન્સ અલગ અલગ શહેરોમાં યોજાઈ તેવું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજકોટમાં સૌ પ્રથમ વાર સીપી કચેરીએ સવારથી ક્રાઈમ કોન્ફરન્સનો ડિજીપીની અધ્યક્ષતામાં પ્રારંભ થયાં બાદ બપોરે 2 વાગ્યાની આસપાસ સમાપન થયું હતું.
ચાર કલાકથી વધું ચાલેલ ક્રાઈમ કોન્ફરન્સમાં ડીજીપી દ્વારા ક્રાઈમ રેટ ઘટાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ થર્ટી ફર્સ્ટ પહેલાં દારૂ-માદક પદાર્થના ધંધાર્થીઓ પર પોલીસ મથક દિઠ ડ્રોન કેમેરાથી વોચ રાખવા, મિલકત અને શારીરિક ગુનાનોના ડિટેક્સન, સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ સહિતના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પોલીસ અધિકારીઓ સાથે વિચારોની આપ-લે કરી રાજ્યને સુરક્ષિત કરવાં નવી રણનીતિ ઘડવામાં આવી હતી.
તેમજ કોન્ફરન્સમાં આર્થીક ભીંસમાં ફસાયેલા લોકો આપઘાત કરવા તરફ ન પ્રેરાઈ તે માટે લોન મેળા, તેમજ વ્યાજંકવાદ વિરૂદ્ધ લોક દરબાર યોજી લોકોને વ્યાજખોરીમાંથી છોડાવી વ્યાજખોર સામે કાર્યવાહી કરવી તેમજ ટોળકીમાં ગુના આચરતી ગેંગ સામે ગેંગ કેસ, ગુજસીટોક સહિતની કલમ હેઠળ કાર્યવાહી કરવી ઉપરાંત ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી જેવાં કાર્યક્રમો યોજી લોકોના પ્રશ્નો જાણવા પર ટકોર કરી હોવાનું સામે આવ્યું છે.
ક્રાઈમ કોન્ફરન્સમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, જૂનાગઢ, કચ્છ બોર્ડર અને પશ્ચિમ રેલ્વે રેન્જના આઈજી તેમજ રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરાના પોલીસ કમિશ્નર હાજર રહેશે. ઉતરાંત સીઆઇડ, એટીએસ, લો એન્ડ ઓર્ડર અને ઇન્કવાયરીના વડા પણ ક્રાઈમ કોન્ફરન્સમાં જોડાયા હતાં.
હાજર રહેલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ
શહેર પોલીસ કમીશ્નર કચેરીએ યોજાયેલ ક્રાઈમ કોન્ફરન્સમાં રાજયભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહેલ હતો. ડીજીપી વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમીશ્નર જી.એસ.મલીક રાજકોટ પોલીસ કમીશ્નર બ્રજેશ કુમાર ઝા, વડોદરા પોલીસ કમીશ્નર નરસિંહમાં તોનર, સુરત પોલીસ કમીશ્નર અનુપમસિંહ ગહેલોત, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ ઝાંઝડીયા સહીત પરીક્ષીના રાઠોડ હરસુખ યાદવ, ગૌતમ પરમાર, રાજકુમાર પોડીયન સંદિપસિંઘ સહીતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહેલ હતું.
નિર્ધારીત સમય કરતાં એક કલાક વ્હેલી કોન્ફરન્સ શરૂ થઈ
રાજકોટમાં યોજાનાર ક્રાઈમ કોન્ફરન્સના અધ્યન ડીજીપી વિકાસ સહાય મોડી રાતે જ રાજકોટ આવી પહોંચ્યા હતાં.આજે ક્રાઈમ કોન્ફરન્સનો પેનર્ધારીત કાર્યક્રમ સવારે 10.30 વાગ્યે ગાર્ડ ઓફ ઓનર આવ્યા બાદ 11 વાગ્યે કોન્ફરન્સ શરૂ થવાની હતી. તેમની જગ્યાએ ડીજીપીએ વ્હેલી સવારથી જ સ્ફૂર્તી બતાવી નિર્ધારીત સમય કરતાં એક કલાક વ્હેલા સીપી કચેરીએ પહોંચી ગયા હતાં.અને 10 વાગ્યે જ ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો.
ડીજીપી રેન્જ આઈજી ઓફિસે પાંચ વાગ્યે જશે
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય રાજકોટ રેન્જ આઈજી ઓફિસની મુલાકાતે ક્રાઈમ કોન્ફરન્સના સમાપન બાદ પાંચ વાગ્યે જવાનો કાર્યક્રમ સામે આવ્યો છે. તે મુલાકાત વખતે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સહિત રાજકોટ એસપી હિમકરસિંહ તેમજ મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકાના એસપી પણ હાજર રહેશે.
ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ખાસ ચર્ચા થઈ
ક્રાઈમ કોન્ફરન્સમાં ખાસ ટ્રાફીક સમસ્યા વિશે સઘન ચર્ચા કરવામાં આવી હતી. ડીજીપીએ ટ્રાફીક સમસ્યા હલ કઈ રીતે કરી શકાય તે જેથી અકસ્માતોના બનાવમાં ઘટાડો આવે અને લોકોની જીંદગી બચાવી શકાય તે અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસેથી સુચનો પણ મેળવવામાં આવ્યાં હતો.
ડીજીપીને સીપી કચેરીમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
રાજકોટમાં યોજાઈ રહેલ રાજય કક્ષાની ક્રાઈમ કોન્ફરન્સમાં કમીશ્નર કચેરીમાં ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.જે બાદ તેઓએ રાજય કક્ષાની ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો.જેમાં રાજયના નવ રેન્જ આઈજી, ચાર મહાનગરોના પોલીસ કમીશ્નર સહીતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહેલ છે.
ગુનેગારોમાં ધાક બેસાડો, સામાન્ય વ્યકિત પોલીસ ફરિયાદ કરતાં ડરવો ન જોઈએ
આજે સીપી કચેરી યોજાઈ ગયેલ ક્રાઈમ કોન્ફરસમાં ડીજીપી વિકાસ સહાયએ ખાસ નોંધ લઈ કુખ્યાત નામચીન ગુનેગારો વિરૂદ્ધ સખત કાર્યવાહી કરી એવી ધાક બેસાડો કે ફરીવાર તે ગુનો કરવા માટે વિચારી પણ ન શકે તેમજ સામાન્ય લોકોમાંથી ગુનેગારોનો ભય ડર કરી તેઓ પોલીસ મથકે પહોંચે તેવું વાતાવરણ ઉભો કરવાની ચર્ચા પણ કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.