પાડોશીએ કરેલી ફરિયાદનો ખાર રાખી જેલનો ખર્ચ માંગી ત્રણ અજાણ્યા શખ્સો સાથે કારમા ધસી આવી કર્યો હુમલો
Rajkot,તા.05
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક હુમલાની ઘટના સામે આવી છે. નામચીન શખ્સ પ્રતિક ચંદારાણા જેલમાંથી છૂટ્યા બાદ હું તમારા લીધે જ જેલમાં ગયો હતો અને મને ખર્ચના રૂપિયા આપવા જ પડશે કહી ત્રણ યુવકો અને તેમની માતા પર હુમલો કરતા બિ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે. આજીડેમ ચોકડી નજીક માનસરોવર પાર્કમાં રહેતા હિરેનભાઇ મહેશભાઈ ગરચર (ઉ.વ.-૨૨)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પરિવારના માતા અલ્પાબેન ઉ.વ.-૪૧ તથા મારાથી નાના સગા બે ભાઈ જેમાં હાર્દીક ઉ.વ.-૧૮ અને ક્રિશ ઉ.૫.-૧૬ વાળા સાથે રહું છું. મારા સગા પિતા ગુજરી ગયેલ છે અને મારા માતાએ અશોકભાઈ મહેતા જાતે-બ્રાહ્મણ ઉ.વ.-૪૦ વાળા સાથે કોર્ટ મેરેજ કરેલ હોય જે અમારી સાથે રહે છે જેને અમો કાકા કહી બોલાવીએ છીએ.
ચંદારાણાથી ડરી આખો પરિવાર ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી મફતીયાપરામાં દાદા રમેશભાઈના ઘરે રહેવા જતાં રહ્યા હતા. જે બાદ ગઈ તા.૦૪/૧૨/૨૦૨૪ નાં રોજ રાત્રીના ત્રણેક વાગ્યાં આસપાસ અમારી ડેલી કોઈએ ખખડાવતા અમે બધાએ ડેલી ખોલી હતી. જ્યાં એક નંબર પ્લેટ વગરની કાળા રંગની બોલેરો કાર લઇ પ્રતિક ત્રણ અજાણ્યા શખ્સો સાથે ધસી આવ્યો હતો અને જેલના અને ઘર ખર્ચના રૂપિયા આપવાના છે કે નહિ કહી મારી ઉપર હોકી વડે હુમલો કરી આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ઉપરાંત અજાણ્યા ત્રણેય શખ્સોએ મારા બંને ભાઈઓ અને માતાને પણ માર માર્યો હતો. જેથી બુમાબુમ થતાં શેરીના લોકો બહાર નીકળતા આ તમામ શખ્સો નાસી ગયાં હતા.