Rajkot,તા.04
શહેરના રૈયા રોડ નજીક સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે આવેલા સોમેશ્વર ચોકમાં ફલેટમાં એકલી રહેતી મુળ માણાવદરના નાનડીયા ગામની તબીબ યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે. બીજી તરફ પરિવારજનોએ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.
આપઘાતની ઘટનામાં મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર નજીક સોમેશ્વર ચોકમાં આવેલા માધવપ્રસાદ એપાર્ટમેન્ટના ફલેટમાં રહેતી જલ્પાબેન પ્રહલાદભાઇ ઘોસીયા (ઉ.વ.૨૮) નામની તબિબ યુવતિએ ફલેટમાં દૂપટ્ટાથી ગળાફાંસો ખાઇ લેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ મારફત જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના તપાસનીશ મિહીરસિંહ બારડ સહિતે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરી લેનાર જલ્પાબેનના માતા-પિતા સહિતના પરિવારજનો માણાવદરના નાનડીયા ગામે રહેતાં હોઇ તેમને જાણ કરવામાં આવતાં માતા-પિતા-ભાઇ સહિતના સ્વજનો તુરત જ રાજકોટ પહોંચ્યા હતાં. દિકરીના મૃત્યુની જાણ થતાં તેઓ ઉંડા આઘાતમાં ગરકાવ થઇ ગયા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ જલ્પાબેન બીએચએમએસ ડોક્ટર હતાં અને કેનાલ રોડ લલુડી વોંકળી વિસ્તારમાં ક્લીનીક ચલાવતાં હતાં.
મૃતક યુવતી બે ભાઇની એક જ બહેન હતી . તેણીના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. જલ્પાબેનના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની પરિવારજનોએ માંગણી કરતાં પોલીસે તે માટે કાર્યવાહી કરી હતી.