Rajkot. તા.4
રાજકોટમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં સોમેશ્વર ચોકમાં આવેલ ફ્લેટમાં રહેતી તબીબ યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી બનાવનું કારણ જાણવા તજવીજ આદરી હતી.
બનાવ અંગે મૃતક તબીબને માણાવદરના નાનડીયા ગામ રહેતાં પરિવારને જાણ કરવામાં આવી હતી. એક ની એક પુત્રીના મોતના સમાચાર સાંભળતા જ પરીવાર ભાંગી પડ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોમેશ્વર ચોકમાં આવેલ માધવ પ્રસાદ નામના ફ્લેટમાં રહેતી જલ્પાબેન પ્રહલાદભાઈ ઘોસીયા (ઉ.વ.28) એ મોડી રાતે પોતાના ફ્લેટમાં હતી ત્યારે પંખાના હુકમાં ચૂંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમની મિત્રએ ફોન કરતાં તેણીએ ફોન ન ઉપાડતાં બહેનપણી ઘરે દોડી ગઈ હતી અને ફ્લેટમાં જોતા જલ્પાબેન ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતાં દેકારો મચાવ્યો હતો.
બાદમાં આસપાસના લોકો એકઠાં થઈ જતાં તાત્કાલિક 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે તબીબ યુવતીને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ થતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક યુવતીએ મેડિકલમાં બીએચએમેએસનો અભ્યાસ કર્યો છે અને હાલ તેણીને કેનાલ રોડ પર ક્લિનિક હોવાનું સામે આવ્યું છે.
મૃતક તબીબના માતા-પિતા માણાવદરના નાનડીયા ગામમાં રહે છે. અને તે બે ભાઈઓની એક ની એક બહેન છે. મૃતકના પિતા ખેતીકામ કરે છે અને તેણી અહીં ફ્લેટમાં એકલી રહી ક્લિનિક ચલાવતી હતી. તબીબે ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ આદરી બનાવ અંગે પરિવારને જાણ કરી હતી. બનાવ અંગેના સમાચાર મળતાં જ વતન રહેતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. હાલ પરિવારજનો આવ્યાં બાદ બનાવના મૂળ કારણ સુધી જઈ શકાશે.