Rajkot તા.૧૦
શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી છ વર્ષ પૂર્વે એસઓજી પોલીસે ૮૧.૩૨ લાખની કિંમતના ૮ કિલો, ૧૩૨ ગ્રામ ચરસ સાથે ઝડપેલા ચાર આરોપીને સેશન્સ કોર્ટ દ્વારા ૨૦ વર્ષની સજા અને એક એક લાખનો દંડ સામે કરેલી અપીલમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો મોકુફ રાખી તમામ આરોપીની જામીનઅરજી મંજૂર કરી છે.આ કેસની હકીકત મુજબ, વધુ વિગત મુજબ અમદાવાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો યુનિટએ એક આરોપીની પૂછપરછ માં મળેલ ચોક્કસ વિગતો રાજકોટ એસસોજીને પીઆઇ એસ.એન. ગડુ અને પીએસઆઇ એચ.એમ.રાણા સહિતના સ્ટાફે જંગલેશ્વર વિસ્તારમાં દરોડો પાડી રૂપિયા રૂપિયા ૮૧.૩૨ લાખની કિંમતનું ૮.૮ કિલો, ૧૩૨ ગ્રામ ચરસના જથ્થા સાથે મહેબૂબ ઉસ્માન ઠેબા, ઇલ્યાસ હારુન સોરા, જાવેદ ગુલ મોહમ્મદ દલ અને રફીક હબીબ લોયાની ધરપકડ કરી તમામ સામે એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા. બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરતા કેસની સુનાવણી ચાલવા પર આવ્યો હતો. જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે ટ્રાયલ કોર્ટે દ્વારા તમામ આરોપીઓને ૨૦ વર્ષની સજા અને એક એક લાખ રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. જે હુકમથી નારાજ થઈ તમામ આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી, સાથે સાથે અપીલના કામે જામીન અરજી દાખલ કરી હતી.તેમાં આરોપી તરફે રોકાયેલા એડવોકેટસ વિરાટભાઈ પોપટ અને અમૃતા ભારદ્વાજે દલીલો કરી હતી. તેમાં સેશન્સ કોર્ટ સમક્ષ ટ્રાયલ દરમિયાન લેવામાં આવેલ મૌખીક પુરાવાઓ તેમજ સરકાર દ્વારા રજુ રાખવામાં આવેલા દસ્તાવેજી પુરાવાઓને આધાર બનાવી રજુઆત કરવામાં આવેલ હતી કે, ત્રણ વર્ષથી વધુ સજાની જોગવાઈવાળો આ કેસ રાજકોટમાં સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં ચલાવાયો નથી, આમ, એન.ડી.પી.એસ. કાયદાની કલમ-૪૨, ૫૧, ૫૭ તેમજ પ૨ (એ) જેવી મેન્ડેટરી જોગવાઈઓનો ભંગ થયેલાની દલીલ કરવામાં આવેલ હતી, આ દલીલોના સમર્થનમાં સર્વોચ્ચ અદાલતના અને ગુજરાત હાઈકોર્ટના વિવિધ લેન્ડ માર્ક ચુકાદાઓ રજુ રાખવામાં આવેલ હતા. જે સમગ્ર રજુઆતો કરી તમામ અરજદારોને જામીન મુકત કરવા એડવોકેટ વિરાટભાઈ પોપટે દલીલ કરી હતી. જે દલીલ ધ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને સસ્પેન્ડ કરી આ કામના ચારેય આરોપીઓને શરતોને આધીન જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે.આ કામમાં આરોપીઓ ચારેય તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સના અંશ ભારદ્વાજ, ધી૨જ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત તથા ગુજરાત હાઈકોર્ટમાં કાઉન્સીલ તરીકે એડવોકેટ વિરાટ પોપટ તેમજ મદદનીશ તરીકે એડવોકેટ અમૃતા ભારદ્વાજ રોકાયા હતા.