બોલબોલા માર્ગ, ચુનારાવાડ અને કોઠારીયા ગામ નજીક દરોડો પાડી રૂ. 3.70 લાખનો મુદ્દામાલ કબ્જે
Rajkot,તા.05
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પૂર્વે શહેરમાં દારૂની રેલમછેલ ન થાય તેના માટે પોલીસ હરકતમાં આવી છે.પીસીબી બુટલેગરો પર તવાઈ બોલાવી છે. અલગ અલગ ત્રણ દરોડા પાડીને શરાબની કુલ નાની મોટી 300 બોટલ જપ્ત કરી મહિલા સહીત કુલ ત્રણ બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. જયારે વધુ એક ફરાર બુટલેગરની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પીસીબીએ કુલ ત્રણ દરોડામાં કુલ રૂ. 3.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પીસીબી દ્વારા બોલબાલા રોડ, વિરાણી અઘાટ નજીક આવેલી દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી 180 એમએલની કુલ 192 બોટલ જેની કિંમત રૂ. 19,200ના મુદ્દામાલ સાથે ફારૂક મજીદભાઈ સાંજી(ઉ.વ. 29)ની ધરપકડ કરવામાં આવી હતી જયારે અન્ય શખ્સ જગદીશ દલાભાઈ પરમાર હાજરની નહિ મળી આવતા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
બીજો દરોડો ચુનારાવાડ શેરી નંબર-3માં જાહેરમાંથી મીનાબેન વિજયભાઈ રાઠોડ(ઉ.વ.32) નામની મહિલા 26 ચપલા સાથે ઝડપાઈ હતી. ત્રીજો દરોડો આજીડેમ પોલીસની હદમાં આવતા કોઠારીયા ગામ નજીક પાણીના ટાંકાની સામેની શેરીમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પીસીબીએ 750 એમએલની અલગ અલગ બ્રાન્ડની કુલ 88 બોટલ ભરેલી હ્યુન્ડાઇ આઈ ટવેન્ટી કાર ઝડપી લેવામાં આવી હતી. પીસીબીએ કારચાલક ભીમા મેરાભાઈ મીર (ઉ.વ.41) રહે કોઠારીયા સોલ્વન્ટવાળાની ધરપકડ કરવામાં આવી હતી.
મવડી પ્લોટમાં સ્કોચની 48 બોટલ સાથે શખ્સ ઝડપાયો
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે મવડી પ્લોટ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પીઆઈ એમ આર ગોંડલીયા અને એમ એલ ડામોરની સૂચના હેઠળ પેટ્રોલિંગમાં રહેલી ટીમના હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ હરસુખભાઇ સભાડની બાતમીના આધારે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની કુલ 48 બોટલ સ્કોચ સાથે અગાઉ અનેકવાર પ્રોહીબીશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા જયપાલસિંહ મહીપતસિંહ ઝાલા(ઉ.વ.36) રહે મારુતિનંદનનગર, વિશ્વેશ્વર મંદિર પાછળવાળાની ધરપકડ કરી છે.