Rajkot,તા.02
તારા ભાઈએ જ દારૂની રેઇડ કરાવી છે તેમ કહી ખાટકીવાસમાં બહેન અને માતા-પિતા પર મહિલા સહીત આઠેક શખ્સોએ હુમલો કર્યાની ઘટના બી ડિવિઝન પોલીસના ચોપડે નોંધાઈ છે. મામલામાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના ચામડીયાપરામાં રહેતી 25 વર્ષીય યુવતી આસ્તાબેન મહમ્મદભાઇ ભાડુલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પરીવારમાં પિતા મહમ્મદભાઈ ઈબ્રહીમભાઈ, માતા નસિમબેન મહમ્મદભાઈ તેમજ બે ભાઈ જેમાં મોટાનું નામ આદીલ ઉ.વ.૨૨ અને નાનો અરબાજ ઉ.વ.૨૦નો છે. મારા ભાઇ અરબાજ ઉર્ફે રઇસની રોહીદાસપરા ખાતે રહેતા હેદરબાપુ સાથે વર્ષોથી મિત્રતા હતી અને આ હૈદરબાપુ દારુના ધંધા સાથે સંકળાયેલ હતો.
ફરિયાદીએ જણાવ્યું છે કે, આજથી છએક માસ પહેલા હૈદરબાપુને ત્યા પોલીસ ની રેડ થયેલ અને કોઇકે આ હૈદર બાપુને એવી ચડામણી કરેલ કે આ રેડ મારા ભાઈ અરબાજ ઉર્ફે રઈસે કરાવેલ છે. જે બાદ મારા ભાઈ અરબાજ અને આ હૈદરબાપુ વચ્ચે દુશ્મનાવટ છે અને અવાર નવાર તે મારા ભાઇ અરબાજ સાથે આ બાબતનો ખાર રાખી ઝગડો કરે છે. દરમિયાન ગઈકાલે સવારના બારેક વાગ્યા આસપાસ અરબાજ અમારી ગલીમા આવેલ દુકાન ઉપર ગાઠીયા લેવા ગયેલ તે વખતે સદામબાપુ તથા તેનો મીત્ર ધમબાપુ એકસેસ સ્કુટર ઉપર નીકળતા હતા તે વખતે મારા ભાઈ અરબાજને જોઈ કોઈ પણ કારણ વગર ગાળો આપી હતી પણ અરબાજે કોઈ જવાબ નહિ આપી ઘરે પરત આવી ગયો હતો. ત્યારબાદ બપોરના ત્રણેક વાગ્યા આસપાસ હું મારી માતા અને મારા મામા હનીફભાઈ ઘરે હાજર હતા તે સમયે અચાનક અમારી ગલીમાથી ગાળા ગાળીનો અવાજ આવવા લાગતા અમે ઘરની બહાર આવી ગયેલ હતા. જ્યાં સફેદ કલરના એકસેસ ઉપર હેદરબાપુ, અલીબાપુ અને ધમબાપુ આવેલ હતા. જેમા હૈદરબાપુ પાસે ધારીયુ, ધમબાપુ પાસે પાઇપ હતો. તેમણે મારા ઉપર આડેધડ હુમલો કરેલ અને મને હૈદરબાપુએ પગ અને ખભાના ભાગે ધારીયાથી મારેલ જેમા મને સામાન્ય ઇજાઓ થયેલ હતી.
બાદમાં સદામબાપુએ તલવાર વડે મને હાથના ભાગે ઘા કરેલ હતો. દરમિયાન પિતા મહમદભાઈ આવતા આ શખ્સોએ આડેધડ પાઇપ, તલવાર અને ધારીયાથી પિતા પર હુમલો કરી દીધો હતો. દરમિયાન વધુ એક એકસેસ પાછળથી આવી ગયેલ જે એકસેસમાં હસનબાપુ, સાહીદ અને એક અજાણ્યો શખ્સ હતા. આ ત્રણેયે મને ઢીકા પાટુનો માર મારેલ તેમજ મારી માતા આ બધા ઝગડા વચ્ચે બહાર આવતા સદામબાપુએ તેણીને પણ જમીન ઉપર પછાડી આડેધડ મારવા લાગેલ હતા. તે વખતે આ હૈદરબાપુની માતા રોશનબેન પણ સ્થળ ઉપર પહોંચી જતા તેણે પણ મારી માતાને મારવાનુ શરુ કરેલ હતા. હહુમલાના લીધે શેરીના લોકો એકત્રિત થઇ જતાં આ શખ્સો નાસી ગયાં હતા.