Rajkot,તા.27
પૈસા ગણવામાં મદદ કરવાનું કહી ઘેની પદાર્થ સુંઘાડી દઈ સોનાની બંગડી, ચેઇન અને પેન્ડલ ઉતરાવી લીધા બાદ નકલી બંગડીઓ પધરાવી દેનાર બંને મહિલાઓ વડોદરા પોલીસના સકંજામાં શહેરના રઘુવીરપરા વિસ્તારમાં ખરીદી કરી રહેલા વૃદ્ધાને પૈસા ગણવામાં મદદ કરવાનું કહી રૂ. 3.50 લાખના સોનાના દાગીનાની ઉઠાંતરી કરી બે મહિલાઓ ફરાર થઇ ગયાનો બનાવ સામે આવ્યો છે. ખરીદી કરવા આવેલા વૃદ્ધાને ઘેની પદાર્થ સુંઘાડી દઈ સોનાની બંગડી, ચેઇન અને પેન્ડલ ઉતરાવી રૂમાલમાં બાંધી પોતાની પાસે રાખી લીધા બાદ નકલી બંગડીઓ પધરાવી દેનારી બંને મહિલાઓને વડોદરા પોલીસે સકંજામાં લઇ લીધાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.
પલ્લવીબેન કિરણભાઈ વડોદરીયા(ઉ.વ.65) નામની વૃદ્ધાએ એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વડોદરાના અનપુર્ણા હાઉસિંગ સોસાયટી, માજલપુર ભવન સ્કુલની સામે રહે છે. ગત તા. 22 નવેમ્બરના રોજ રાજકોટ ખાતે પતિના મિત્ર રહીમભાઈ ગીલાણીના દીકરાના લગ્ન હોય જેથી હું તથા મારા પતિ કીરણભાઈ એમ બંન્ને લોકો રાજકોટ પ્રસંગના હાજરી આપવા ટ્રેન મારફત આવ્યા હતા અને નણંદ અલ્કાબેનના ઘરે રોકાયા હતા.
ફરિયાદીએ જણાવ્યું છે કે, ગત તા. 25 નવેમ્બરના રોજ સવારના અગ્યારેક વાગ્યાની આસપાસ હું તથા મારા પતિ બંન્ને ખરીદી કરવા માટે ઘી કાંટા રોડ પાસે આવેલ હતા. મારા પતિને કંઈક કામ હોવાથી તેઓ મને ઉતારીને પોતાના કામ અર્થે ચાલ્યા ગયાં હતા. જે બાદ હું ઘી કાંટા રોડ પાસે ખરીદી કરતી હતી અને ખરીદી કરી બપોરના પોણા બે વાગ્યાની આસપાસ હું જીવન કોમર્શીયલ બેન્કની બાજુની લાબેલા ગાંઠીયાવાળી શેરી, રઘુવીરપરા પાસે પહોંચી હતી. જ્યાં એક બહેન મને મળેલા અને મને કહેલ કે આપડી સામે જે બહેન ઉભેલ છે તેમની પાસે બહુ પૈસા છે અને તેને પૈસાની ખબર પડતી નથી અને તે બહેનને જયપુર ખાતે જવુ છે તો આપડે બન્ને તેમની પાસે રહેલ રૂપીયા ગણી આપીએ અને ત્યાર બાદ હું તેમને જયપુરની બસમા બેસાડી દઈશ. જે બાદ આ બન્ને મહીલાઓએ અંદરો-અંદર વાતચીત કરી મને આ બંન્ને બહેનોએ કંઇ કરી નાખતા હું બોલી શકતી ન હતી અને આ બંન્ને બહેનો એ મને કહેલ કે તમે પહેરેલ દાગીના અમને એક રૂમાલમા બાંધીને આપો. એક મહીલાએ એક રૂમાલ મને આપેલ અને મે મારા બંન્ને હાથમા પહેરેલ ચાર સોનાની બંગડીઓ જેનો વજન આશરે ૪૦ ગ્રામ તેમજ ગળામાં પહેરેલ સોનાનો ચેન તથા પેન્ડલ જે આશરે ૧૦.૫૦ ગ્રામના દાગીના મે મહીલાઓને આપેલ અને આ બન્ને મહીલાઓએ મારા દાગીના રૂમાલમાં બાંધેલ અને બાદમા આ બન્ને મહીલાઓએ મને એક બેગ આપેલ અને મને કહેલ કે આ બેગમા રૂપીયા છે તેમાથી તમે અમને ૫૦,૦૦૦ ગણી આપો. બાદમાં મારી પાસે રહેલ પ્લાસ્ટીકની બેગમા આ બન્ને મહીલાએ એક પોટલી વાળેલ રૂમાલ મુકેલ અને મને કહેલ કે આ રૂમાલમા તમારા દાગીના છે
જેથી વૃદ્ધાના કુલ રૂ. 3.50 લાખના દાગીનાની ઉઠાંતરી કરી બંને મહિલાઓ ફરાર થઇ ગયાની જાણ પતિને કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. મામલામાં એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે. જયારે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર છેતરપિંડી આચરનાર બંને મહિલાઓને વડોદરા પોલીસે ઝડપી લીધી છે.