Rajkot,તા.૨૦
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આજે ‘‘જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૪’’ ની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ (૧૫ નવેમ્બર) સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૪ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગની યાદમાં ૧૫ નવેમ્બરથી ૨૬ નવેમ્બર, ૨૦૨૪ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને ૧૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જે અંતર્ગત રાજકોટ ડિવિઝનમાં ખાતે તાજેતરમાં જનજાતીય કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે વિવિધ કાર્યક્રમો અંતર્ગત એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીઆરએમ ઓફિસના કોન્ફરન્સ રૂમમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી અશ્વનીકુમાર અને કર્મચારી મંડળના અધિકારીઓએ બિરસા મુંડાના જીવન ચરિત્ર અને તેમના સંઘર્ષની સાથે સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. સેમિનાર દરમિયાન, બિરસા મુંડાના જીવન પર પ્રસાર ભારતી/માહિતી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ વિડિયો પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એડીઆરએમ શ્રી કૌશલ કુમાર ચૌબે, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી સિદ્ધાર્થ, અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને કર્મચારી સંગઠનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૨૬મી નવેમ્બર, ૨૦૨૪ સુધી મુસાફરો અને સ્ટેશન મુલાકાતીઓની માહિતી માટે આદિવાસી કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે વિડિયો ક્લિપના અંશો પણ સ્ટેશનો પર ટીવી મોનિટર પર પ્રસારિત કરવામાં આવશે. કાર્યક્રમના અંતે વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી સિદ્ધાર્થ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.