Rajkot, તા. 19
મ્યુનિ. કોર્પોરેશનના આધાર કેન્દ્રમાં આજથી ટોકનના આધારે નાગરિકોના નોંધણી અને સુધારા સહિતના કામ કરવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે ત્યારે સવારે વહેલા તે પહેલાના ધોરણે સેન્ટ્રલ ઝોનમાં 180 જેટલા ટોકન આપવામાં આવ્યા હતા. આ સિવાયના નાગરિકોને કાલે આવવાનો જવાબ અપાયો છે. લીમીટના કારણે આધાર કેન્દ્ર બહારની લાઇન થોડી ટુંકી થઇ હતી, પરંતુ આધારના ફોર્મેટ મુજબ જન્મના દાખલામાં નામ સુધારવા સિવિક સેન્ટરમાં લાંબી લાઇનો થઇ ગઇ હતી.
રોજની આ હાલત વચ્ચે આજે લાંબા સમય બાદ કોઇ મ્યુનિ. કમિશ્નર આધાર કેન્દ્ર અને સિવિક સેન્ટરમાં પહોંચ્યા હતા. તેઓએ સ્થળ પરની હાલત નિહાળી હતી અને લોકો માટે પાણી, મંડપ, બેઠક વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. કમિશ્નરે બંને વિભાગની અને લોકો જયાં લાઇનમાં ઉભા રહે છે તે ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી.
બાદમાં તેમણે લાઇનમાં ઉભા રહેતા અરજદારોને અન્ય કોઇ તકલીફ ન પડે તે જોવા કહ્યું હતું. આથી તત્કાલ ખુરશી, પાણી, મંડપની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. શિયાળામાં પણ નાગરિકો માટે છાંયડાની વ્યવસ્થા કરવા કહ્યું હતું.
આધાર કેન્દ્ર પાછળ પણ ટુ અને ફોર વ્હીલના પાર્કિંગ છે. આ પાર્કિંગ ખાલી કરીને ત્યાં બેસવાની વ્યવસ્થા થઇ શકે છે. ટોકન આપ્યા બાદ ખાનગી બેંક અને પાસપોર્ટ ઓફિસમાં જે રીતે સ્પીકરમાં ટોકન નંબર બોલવામાં આવે છે તે રીતની માઇક સિસ્ટમ ફીટ કરવા પણ કહ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્ર અને સિવિક સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે. હાલ રેશન કાર્ડમાં ઇ-કેવાયસી કરવા આધાર કેન્દ્રો ખાતે અરજદારોનો ઘસારો વધુ જોવા મળે છે ત્યારે આજે મુલાકાત દરમ્યાન કમિશનરે અરજદારો માટે પીવાના પાણીની, બેઠક વ્યવસ્થા અને મંડપની સુવિધા ઉભી કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
લોકોની ફરિયાદ
દરમ્યાન આજે નાગરિકોએ એવી વ્યથા ઠલવી હતી કે યુઆઇડીએઆઇની વેબસાઈટમાં એવો ફેરફાર કરી નખાયેલો છે કે જુની ફોર્મેટ કે કોઈપણ ફોર્મેટનું જન્મ પ્રમાણપત્ર હોય તેમાં બાળકના નામ અને તેની સાથે લખેલ અક્ષરોને જ વાંચવામાં આવે છે. આખું ફોર્મ વાંચવામાં આવતું નથી.
જેને કારણે આધાર કાર્ડ પ્રિન્ટ કરતી વખતે બાળકનું નામ પ્રિન્ટ થાય છે, પરંતુ પિતા અને અટક અંગેનો ઉલ્લેખ થતો નથી. જેને કારણે તે બાળક જાણે કે અનાથ હોય તે પ્રકારનું માત્ર બાળકને નામ સાથેનું આધાર કાર્ડ નીકળે છે.
જો જન્મ પ્રમાણપત્રમાં બાળકના નામ સાથે પિતા અને અટક નો ઉલ્લેખ હોય તો આધાર કાર્ડમાં તે છપાય છે અન્યથા છપાતું નથી. આ પ્રકારનો ફેરફાર કેન્દ્રીય કક્ષાએ થઈ ગયો હોવા છતાં હજુ પણ જન્મ પ્રમાણપત્ર જૂની ફોર્મેટમાં જ નીકળે છે. જેને કારણે અરજદારોને સેન્ટ્રલ ઝોન ઢેબર રોડની ઓફિસ ખાતે ધક્કા ખાવા પડે છે. વ્યવસ્થામાં રહેલા કર્મચારીઓથી માંડી સિકયુરીટી ગાર્ડને પણ પીક અવર્સમાં ખડેપગે રહેવા સૂચના આપવી જરૂરી છે.
જન્મના દાખલામાં મેરેજ સર્ટી.નો પણ આગ્રહ!
સુધારાના અરજીપત્રકમાં ઉલ્લેખ નથી : અરજદારો સાથે નવી માથાકૂટ
આધાર કાર્ડમાં જરૂરીયાત પુરી કરવા જન્મના દાખલામાં નામમાં ફેરફાર માટે પણ અરજદારો દોડાદોડી કરી રહ્યા છે ત્યારે ભુલ સુધારા માટે જરૂરીયાત ન હોય તો પણ માતા-પિતાનું મેરેજ સર્ટીફીકેટ માંગવામાં આવતું હોવાની ફરિયાદ આજે નાગરિકોએ કરી હતી.
એક નાગરિકે રજુઆતમાં જણાવ્યું છે કે 15-17 વર્ષ પહેલા જેમના લગ્ન થઈ ગયેલ હોય અને જેમને હાલમાં આશરે પાંચેક વર્ષનું બાળક હોય, તે બાળકના નવી ફોર્મેટ મુજબના જન્મ પ્રમાણપત્ર તથા જૂના જન્મ પ્રમાણપત્ર ની ભૂલમાં સુધારા અંગે અરજીપત્રક ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ આધારકાર્ડ પાનકાર્ડ બેંક પાસબુક ચૂંટણી કાર્ડ વગેરે રજુ કરવા છતાં અને અરજી પત્રક ફોર્મના જ છાપેલ શબ્દોમાં “કોઈપણ ત્રણ ડોક્યુમેન્ટ” રજૂ કરવાના થતા હોય તમામ ડોક્યુમેન્ટ પૂરતા હોવા છતાં લગ્ન નોંધણીનું મેરેજ સર્ટિફિકેટ ફરજિયાત જોઈશે તેવો આગ્રહ કરવામાં આવે છે. પરિવારોને ધકકા થાય છે.
આથી સ્પષ્ટ માર્ગદર્શનની જરૂર છે. બીજી તરફ વિભાગ કહે છે કે અમુક કેસમાં માતા-પિતાના રી-મેરેજ, નામમાં ફેરબદલના કારણ સહિતની વિગતોની ખરાઇ માટે આ દાખલો માંગવામાં આવે છે.