Rajkot,તા.15
સામે આવતા વાહનોની આંખો અંજાય જાય અને અકસ્માતનું જોખમ સર્જાય તેવી તીવ્ર સફેદ એલ.ઈ.ડી.લાઈટ જે કંપની ફીટીંગમાં ન હોય પરંતુ, પાછળથી ફીટ કરાવી હોય તે ગેરકાયદે છે, નિયમવિરૂદ્ધ છે છતાં તેનો છૂટથી બેફામ વપરાશ અને વેચાણ થઈ રહ્યા છે. આર.ટી.ઓ. દ્વારા આ અંગે છૂટાછવાયા કેસો કરાય છે જેનાથી સમસ્યાને નોંધપાત્ર ફરક પડતો નથી.
આર.ટી.ઓ.સૂત્રો અનુસાર આવી લાઈટ વાહનોમાં રાખી શકાતી નથી અને તે અન્વયે ગઈકાલે પોલીસ સાથે ગોંડલરોડ, કાલાવડ રોડ, શાપર રોડ, માલિયાસણ વગેરે વિસ્તારમાં ચેકીંગ કરીને માત્ર 89 વાહનો પાસેથી રૃ।. 2,20,500 નો દંડ કરાયો હતો. આ ઉપરાંત પોલીસ સૂત્રો અનુસાર દિવાળી પહેલા તા. 23થી 25 ઓક્ટોબર દરમિયાન 133 વાહનો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ હતી. દંડ કરાયા બાદ આ વાહનો અનધિકૃત લાઈટ દૂર કરે છે કે કેમ તેની તપાસ થતી નથી અને આ અનધિકૃત હોવા છતાં શહેરમાં મુક્ત રીતે આ લાઈટ રાત્રિના સમયે જોવા મળે છે.
એલ.ઈ.ડી.લાઈટ ઉપરાંત હજુ પણ શહેરમાં કાળાકાચવાળા વાહનો ફરતા નજરે પડે છે. ઉપરાંત ઈન્દિરા સર્કલ જેવા મુખ્ય સર્કલોમાં પણ સિગ્નલોનો ખુલ્લેઆમ ભંગ કરીને વાહનો પસાર થતા હોય છે. ઓવરસ્પીડમાં બાઈકથી માંડીને હવે મોટરકારો જોખમી ડ્રાઈવીંગ કરીને જોખમ સર્જે છે. તો સર્કલોમાં રોંગસાઈડમાં વાહનો હંકારાતા હોય છે, નંબર પ્લેટ વગર ચાલતા વાહનોને પણ રોકીને પુછાતું નથી, ચાલક પાસે લાયસન્સ છે કે નહીં, વેલીડ છે કે કેમ, ઉપરાંત રાજકોટમાં પ્રદુષણ આંક પરાકાષ્ટાએ પહોંચ્યો છતાં અને અનેક વાહનમાંથી દેખીતો તીવ્ર ધુમાડો નીકળતો હોવા છતાં પી.યુ.સી.,એરહોર્ન જેવા અનેક મહત્વના નિયમોના થતા ભંગ સામે હેલમેટ માટે થઈ તેવી ઝૂંબેશ થતી નથી. ઉલ્લેખનીય છે કે અકસ્માતોનું મુખ્ય કારણ ઓવરસ્પીડ અને બેફામ ડ્રાઈવીંગ રહ્યું છે.