Rajkot તા.10
ગુજરાત ભાજપમાં સંગઠન નવ રચના માટેની કામગીરીમાં બીજો અને મહત્વના તબકકામાં જિલ્લા અને મહાનગરના પ્રમુખોની પસંદગી દિલ્હીમાં ફાઇનલ થઇ ગઇ હોવાના સંકેત છે અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ તેમજ ગુજરાતના સંગઠનના મેન્ટર ગણાતા અમીતભાઇ શાહએ પણ આગળ વધવા મંજુરી આપી દીધી છે તે સમયે જે રીતે રાજકોટ શહેર અને જિલ્લામાં નેતૃત્વ પરિવર્તન મુદ્દે મોવડી મંડળએ એક મહત્વનો નિર્ણયમાં વર્તમાન મહાનગર અને જિલ્લા પ્રમુખની યથાવત રાખવા નિર્ણય લઇ લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે.
સુત્રોના જણાવ્યા મુજબ ખાસ કરીને રાજકોટ મહાનગરમાં પ્રદેશથી આવેલા નિરીક્ષકો સમક્ષ જુથવાદનો ફાફડો જેવી રજુઆત થઇ અને સર્કીટ હાઉસમાં પણ અલગ-અલગ જુથોએ પોતાના આક્રમક અભિપ્રાયો રજુ કર્યા તે પછી પણ મોવડી મંડળ મહાનગરમાં જુથવાદને પ્રોત્સાહન આપવાના જરા પણ મૂડમાં નહીં હોવાનું જાણવા મળ્યું છે અને તેથી જ વર્તમાન મહાનગર પ્રમુખ મુકેશ દોશીને યથાવત રાખીને તેમને મહામંત્રી સહિતના મજબૂત ખભા આપીને સંગઠન ચલાવવા કહેવાય તેવી શક્યતા વધુ બની છે.
વાસ્તવમાં જે જુથોએ આક્રમક રજૂઆત કરી છે તેઓ લાંબા સમયથી પક્ષમાં પોતાની રીતે નિષ્ક્રીય જેવી સ્થિતિમાં ચાલ્યા ગયા હતા અને પક્ષના કાર્યક્રમમાં પણ ઓછા દેખાતા હોવાથી જેની નોંધ પણ મોવડી મંડળે લીધી હોવાનો સંકેત છે અને મહાનગરમાં મુકેશ દોશી માટે ફરી એક વખત ચાન્સ વધી રહ્યા છે. વાસ્તવમાં તેમને હજુ દોઢ વર્ષનો સમયગાળો મળ્યો છે અને તેમાં તેમને વધુ એક ટર્મ આપીને શહેર ભાજપનું સંચાલન કરવા જણાવાય તેવી ધારણા છે.
તેમને રાજકોટથી લઇ ગાંધીનગરના પ્રદેશ મોવડીઓનું પુરું સમર્થન મળી રહેશે તે પણ નિશ્ચિત કરાશે. તો જિલ્લામાં પણ વર્તમાન પ્રમુખ અલ્પેશ ઢોલરીયાને પણ વધુ એક તક અપાશે. તેમની અને મુકેશ દોશીની નિયુક્તિ એક સાથે થઇ હતી અને ભાજપે ચાર જિલ્લાઓમાં નવા પ્રમુખો નિયુક્ત કર્યા તેમાં બંનેનો સમાવેશ થતો હતો.
તેથી તેમને પુરતો સમય મળી રહે તે જોવાઇ તેવી શક્યતાઓ મજબૂત બની છે. આમ કરીને અસંતુષ્ઠો કે જેઓ વર્તમાન બોડી સામે નારાજગી વ્યકત કરી રહ્યા છે તેઓને પક્ષ સાથે રહીને કામ બતાવવાનો સંદેશ અપાશે.