Rajkot,તા.૪
રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખોની નિમણૂકો બાદ હવે શહેર ભાજપ પ્રમુખની નિમણૂક માટે પ્રક્રિયા શરૂ કરવામા આવી છે અને આજે ફોર્મ ભરવામા આવશે. હાલ શહેર ભાજપના પ્રમુખપદે મુકેશ દોશી રિપીટ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત દેવાંગ માંકડ, ડો. પ્રદિપ ડવ, પુષ્કર પટેલ, માધવ દવે, અશ્ર્વિન મોલિયા, પરેશ ઠાકર, કશ્યપ શુકલ, મનિષ રાડિયા, દલસુખ જાગાણી, નીલેશ જલુ, સુરેન્દ્રસિંહ વાળા, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, વલ્લભ દુધાત્રા, નરેન્દ્રસિંહ ઠાકુર, અશ્વિન પાંભર ઉપરાંત મહિલા ઓમાંથી કિરણબેન માંકડીયા તથા રક્ષબેન બોળીયા સહિત કુલ બે ડઝન દાવેદારો મનાય છે.તો બીજી તરફ, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. વર્તમાન પ્રમુખ અને પૂર્વ મેયર સહિત અનેક દાવેદારો મેદાનમાં આવ્યા છે. તો સામાજિક ક્ષેત્રમાં પણ મોટું નામ ધરાવતા લોકોએ પણ દાવેદારી કરી છે.
જેમણે દાવેદારી કરી છે તેમાં મુકેશ દોશી ( વર્તમાન પ્રમુખ),ડો.જૈમન ઉપાધ્યાય( પૂર્વ મેયર),ડો.શૈલેષ જાની( શિક્ષણ સાથે જોડાયેલા),કશ્યપ શુક્લ( પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન),રક્ષાબેન બોળિયા( પૂર્વ મેયર),બીનાબેન આચાર્ય( પૂર્વ મેયર),ધર્મેન્દ્ર મિરાણી( પૂર્વ કોર્પોરેટર),મનિષ રાડિયા( વર્તમાન કોર્પોરેટર),દિનેશ કારિયા( વેપારી આગેવાન),જીગ્નેશ જોષી( ભાજપ આગેવાન),જયંતિ સરધારા( પૂર્વ કોર્પોરેટર),દેવાંગ માંકડ( વર્તમાન કોર્પોરેટર),દિવ્યરાજસિંહ ગોહિલ (ભાજપના આગેવાન),પરેશ ઠાકર( ભાજપના આગેવાન),અશ્વિન મોલિયા( વર્તમાન મહામંત્રી),નિતીન ભૂત( ભાજપ આગેવાન),પ્રદિપ ડવ( પૂર્વ મેયર),જે.ડી.ડાંગર..( પૂર્વ કોર્પોરેટર) સામેલ છે
વર્તમાન પ્રમુખ મુકેશ દોશીને શહેર ભાજપ પ્રમુખ બનાવાયાને દોઢ વર્ષ જ થયુ હોવાથી અને કોર્પોરેશનને બાદ કરતા સંગઠનમા તેમની કામગીરી સારી હોવાથી દોશીને રિપીટ કરવામા આવે તેવી શકયતા વધુ છે. રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી પણ ૨૦૨૬-ફ્રેબુઆરીમાં યોજાનાર હોય, નવા શહેર ભાજપ પ્રમુખ માટે આ ચૂંટણી સૌથી મોટો પડકાર બની રહેશે. આજે ભાજપ કાર્યાલયે પ્રમુખપદના દાવેદારોના ફોર્મ ભરાયા બાદ રવિવારે ભાજપની સંકલન સમિતિની બેઠક યોજાશે અને તેમા ભરાયેલા ફોર્મની સ્ક્રૂટીની કરી પ્રદેશ કાર્યાલયમાં મોકલી અપાશે અને ૧૦ જાન્યુઆરી સુધીમાં નવા શહેર પ્રમુખનુ નામ જાહેર કરવામા આવશે.