Rajkot,તા.02
સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર ગત સપ્તાહે પીઆઈ સંજય પાદરિયાએ જીવલેણ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો હતો. જે મામલામાં પોલીસે પહેલા બીએનએસની કલમ 109(હત્યાની કોશિશ) હેઠળ પીઆઈ પાદરીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો પણ પાછળથી પોલીસે કલમ 109 હટાવી લેવા કોર્ટ સમક્ષ લેખિત રજુઆત કરી હતી. જેની સામે જયંતિ સરધારાએ વડાપ્રધાન, ગૃહમંત્રી, સુપ્રીમ કોર્ટને લેખિત અરજી કરી આ મામલે યોગ્ય કરવા ગુહાર લગાવી છે. ઉલ્લેખનીય બાબત છે કે, જયંતિ સરધારાએ જણાવ્યું છે કે, મને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોશો છે પરંતુ જો કલમ 109 હટાવી લેવામાં આવશે તો હું આમરણાંત ઉપવાસ પર ઉતરી જઈશ.
જયંતિ સરધારા પર થયેલા હુમલાની ઘટનામાં અગાઉ તાલુકા પોલીસ મથકમાં બીએનએસની કલમ 109(હત્યાની કોશિશ) હેઠળ પીઆઈ સંજય પાદરીયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. તું સરદારધામમાંથી રાજીનામુ આપી દે નહીંતર તને પતાવી દેવાનો છે, નરેશભાઈ પટેલે મને તારો હવાલો આપ્યો છે તેમ કહી પાદરીયાએ રિવોલ્વર વડે હુમલો કર્યાનું જયંતિ સરધારાએ આક્ષેપ કર્યો હતો. ત્યારે આ મામલામાં નવો વળાંક આવ્યો હતો.
જેથી જયંતિ સરધારાની ફરિયાદમાં ઉમેરવામાં આવેલી બીએનએસની કલમ 109 રદ્દ કરવા અને નાકમાં ફ્રેક્ચર સહીતની ઇજા હોવાથી કલમ 117(2)નો ઉમેરો કરવા અદાલતને લેખિત અરજી કરવામાં આવી છે. વધુમાં બંગરવાના જણાવ્યા અનુસાર પોલીસની તપાસમાં એવુ સામે આવ્યું છે કે, ટ્રેનિંગ એકેડમીમાંથી પીઆઈ પાદરીયાને કોઈ હથિયાર ઇસ્યુ જ કરવામાં આવ્યું નથી તેમજ સીસીટીવી સહિતના પુરાવા પરથી એવુ સ્પષ્ટ થઇ રહ્યું છે કે, પાદરીયાના હાથમા કોઈ જ હથિયાર હુમલા સમયે હાજર ન હતું.
ત્યારે હવે ફરિયાદમાંથી કલમ 109 હટાવી લેવા મામલે જયંતિ સરધારાએ વડાપ્રધાન, ગૃહમંત્રી, સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ, રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, રાજ્ય પોલીસવડા, રાજ્યના મુખ્યમંત્રી – ગૃહમંત્રી તેમજ હાઇકોર્ટના રજીસ્ટ્રાર સહીતનાને લેખિત રજુઆત કરવામાં આવી છે. જયંતિ સરધારાએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ પોલીસ દ્વારા લેવાયેલા પગલાંમાં તાત્કાલિક હસ્તક્ષેપની જરૂરિયાત છે. 26 નવેમ્બરના રોજ રાજકોટના તાલુકા પોલીસ મથકમાં પીઆઈ સંજય પાદરીયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. લોકોની રક્ષા કરવાને બદલે પીઆઈ પાદરીયાએ મારી ઉપર હુમલો કરતા ફક્ત મારા જીવને જોખમ જ નહિ પણ સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ સર્જાયો છે.