Rajkot, તા. 10
આગામી તા.26મી જાન્યુઆરીની પુર્વ સંધ્યાએ તા.25 શનિવારના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે કીર્તિદાન ગઢવી અને ધીરૂભાઇ સરવૈયાનો લોક ડાયરો યોજાશે.
મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પર્વો તેમજ તહેવારો નિમીતે શહેરની જનતા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. બોલીવુડ નાઇટ, સંગીત સંધ્યા, હાસ્ય કવિ સંમેલન, દિવાળી કાર્નિવલ, આતશબાજી ઉપરાંત મેરેથોન, સાયકલોથોન જેવા કાર્યક્રમ પણ યોજવામાં આવે છે.
આ પરંપરાને આગળ વધારતા આગામી પ્રજાસતાક દિનની પુર્વ સંધ્યાએ કાર્યક્રમ અંતર્ગત લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને લોક હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા જેવા પ્રખ્યાત કલાકારો દ્વારા રાજકોટની જનતાને લોકડાયરો કાર્યક્રમમાં લોક સાહિત્ય અને હાસ્ય રસમાં તરબોળ કરવામાં આવશે.
હૈયે વસેલુ નામ, કીર્તિદાન ગઢવી એટલે લોકડાયરાથી ‘લાડકી’ ગીતની સફર થકી ગુજરાતનું યુવાધન લોકસંગીત તરફ વળ્યું એનું આગવું ઉદાહરણ. તળપદી-કાઠીયાવાડી ભાષાના હાસ્ય કલાકાર તરીકે ઓળખ ધારાવતા ધીરૂભાઈ સરવૈયાએ ગામ-તાલુકામાં યોજાતા કાર્યક્રમોથી શરૂઆત કરી તેઓ આજે હાસ્ય રસીકોમાં જોક્સ ‘કિંગ’તરીકે જાણીતા બનેલ છે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સ્ટે. ચેરમેન જયમીન ઠાકર અને સમાજ કલ્યાણ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ નિમંત્રણ આપ્યું છે