Rajkot. તા.13
જૂનાગઢ, અમદાવાદ, સુરતમાંથી ચોરી કરી ગર્લફ્રેન્ડ સાથે રાજકોટ પહોંચેલા કુખ્યાત તસ્કર પ્રદીપ ઉર્ફે પદીયાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગર્લફ્રેન્ડ સાથે દબોચી લઈ કુલ રૂ.5.30 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. કોઠારીયા સોલ્વન્ટમાં રહેતો રિઢો તસ્કર પ્રદીપ ઉર્ફે પદીયો ગર્લફ્રેન્ડને સાથે રાખી અલગ અલગ શહેરમાં હોટલમાં રોકાઈ બાદમાં નજીકમાં આવેલ સોસાયટીના એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાં ત્રાટકતો હતો. તસ્કરે 25 ઘરફોડ ચોરીની કબુલાત આપી હતી.
રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ચાલતા ’મેન્ટર પ્રોજેકટ’ હેઠળ વારંવાર ગુના આચરતા આરોપીઓ ઉપર વોચ રાખવાની સુચનાના આધારે શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા,ડીસીપી (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી (કાઇમ) ભરત બસીયાએ મીલકત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ વાહન ચોરી, ઘરફોડ ચોરી, તથા ચીલ ઝડપ, લુંટ, વિગેરે અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવાની કરેલ સુચનાથી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન.પરમાર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં .
ત્યારે કોન્સ્ટેબલ મોહિલરાજસિંહ ગોહિલ, અર્જુનભાઈ ડવને સુરત શહેર પોલીસ કર્મચારીઓને પણ ખાનગી રાહે મળેલ સંયુકત બાતમીના આધારે મેન્ટર પ્રોજેક્ટ હેઠળનો આરોપી પ્રદિપ ઉર્ફે પદીયો કાળુ પઢારીયા (ઉ.વ.23), (રહે. ગુલાબનગર, કોઠારીયા સોલવન્ટ, શેરી નં.-3, પ્રાથમિક શાળા સામે) ને તેની મહિલા મિત્ર સાથે દબોચી લઈ તેની પાસેથી સોના/ચાંદીના દાગીના, રોકડ, મોબાઈલ ફોન સહિતનો કુલ રૂ.5.30 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પ્રાથમિક પૂછતાછમાં પકડાયેલ આરોપીએ 4 થી 5 દિવસ પહેલા અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલ રાજશ્રી હોટલમાં રોકાયેલ અને બીજા દિવસે તે હોટલની નજીકમાં આવતી સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં પાંચમો અથવા છઠ્ઠા માળે બપોરના સમયે બંધ ફલેટ હોય તે ફલેટમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરેલ હતી. ત્યાંથી તે સુરત પહોંચ્યો હતો અને ગયાં રવિવારે પુણા વિસ્તારમાં રહેતાં એકાઉન્ટન્ટના બંધ ફ્લેટમાં ત્રાટકી દાગીના અને રોકડ મળી રૂ.2.60 લાખના મુદામાલની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
ઉપરાંત 15 થી 20 દિવસ પહેલા જુનાગઢમાં કાડવા ચોકની આજુબાજુમાં આવેલ પોલસ્ટાર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે દિવસ દરમ્યાન ફ્લેટનું તાળુ તોડી ચોરી કર્યાની પણ કબુલાત આપેલ હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને સુરતના પુણા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો અને મહિલાને નોટિસ આપી રવાના કરી હતી. મહિલા આરોપીની ફ્રેન્ડ હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તસ્કર વિરુદ્ધ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં તેમજ જસદણ, ગોંડલ જૂનાગઢ સહિતના શહેરના પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના 25 જેટલાં ગુના નોંધાયેલ છે. તેમજ ત્રણ વખત પાસામાં પણ જેલની હવા ખાઈ આવેલ છે.