બે વર્ષથી આંખની બીમારીથી પીડાતા કાંતિભાઈ પીસીવાડિયા અકસ્માતે પડ્યા કે આપઘાત કર્યો? પોલીસે તપાસ આદરી
Rajkot તા.૨૧ઃ
શહેરના જીવરાજ પાર્કમાં સિદ્ધિ એમ્પાયર એપાર્ટમેન્ટમાં રહેતાં ૭૪ વર્ષીય બવૃદ્ધ નવમા માળેથી પટકાતાં ગંભીર ઇજાઓ થતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. વૃધ્ધને દોઢ બે વર્ષથી આંખે ઓછુ દેખાતુ હતું અને બીજી બિમારીની દવા પણ ચાલુ હતી. બનાવ અકસ્માતે બન્યો કે આપઘાત કર્યો? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે મળતી વિગત મુજબ જીવરાજ પાર્ક પાસે સિધ્ધી એમ્પાયર એપાર્ટમેન્ટમાં નવમા માળે રહેતાં કાંતિભાઇ ભાણજીભાઇ પીસીવાડીયા (ઉ.વ.૭૪) સાંજે સાડા ચારેક વાગ્યે નવમા માળની ગેલેરીમાંથી પટકાતાં ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. બનાવને પગલે મોટી સંખ્યામાં રહેવાસીઓ દોડી ગયા હતાં અને પરિવારજનો પણ નીચે દોડી ગયા હતાં અને તુરંત ૧૦૮ ને જાણ કરતાં દોડી આવેલ ટીમે વૃધ્ધને તપાસી તેમને મૃત જાહેર કર્યા હતાં.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ ડી. સી. જોષી સહિતનો ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસના કહેવા મુજબ તેમના એક દિકરા પાસેથી પ્રાથમિક માહિતી મેળવી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃતક કાંતિભાઇને દોઢ બે વર્ષથી આંખે ઓછુ દેખાતુ હતુ અને બિમારીની દવા પણ ચાલુ હતી. વૃધ્ધ અકસ્માતે પટકાયા કે પછી બિમારીઓથી કંટાળીને પડતું મુક્યું તે અંગે તપાસ યથાવત રાખવામાં આવી છે.

