ગંજીપત્તાથી નાલ ઉઘરાવી જુગાર રમતા ઝડપાયા, રૂ.૨.૩૩ લાખ રોકડ સહિત રૂ.૧૫.૬૩ લાખનો મુદ્દામાલ કબજે
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૯ઃ
જામનગર તા ૯, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમમાં મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની માહિતીના આધારે રાજકોટ રેન્જની ક્રાઇમ ટીમ-૧ તથા મેઘપર (પડાણા) પોલીસે સંયુક્ત દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન વાડીના મકાનમાં ગંજીપત્તાના પાનાથી જુગાર રમતા વાડી માલિક સહિત દસ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ જોગવડ ગામની સીમમાં આરોપી સુમાતભાઈ દેશુરભાઈ ગોજિયાની કબજા-ભોગવટાની વાડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવવામાં આવતો હતો. પોલીસે દરોડો પાડતાં સુમાતભાઈ ગોજિયા સહિત દસ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા.ઝડપાયેલા આરોપીઓમાં સુમાતભાઈ દેશુરભાઈ ગોજિયા (ઉંમર ૪૦), નીલેનભાઈ હસમુખભાઈ વાઘેલા (૩૬), નરેશભાઈ રામદેવભાઈ બંધીયા (૨૬), પિયુષભાઈ કારૂભાઈ બડીયાવદરા (૩૪), જયદીપભાઈ મગનભાઈ રામાવત (૨૬), રાજેશભાઈ કરશનભાઈ કરંગીયા (૩૨), વલ્લભભાઈ હરદાસભાઈ કરમુર (૪૨), ભરતભાઈ કરશનભાઈ કરંગીયા (૩૬), ઉમેદસિંહ ભોજુભા ચુડાસમા (૪૬) અને પાલાભાઈ પીઠાભાઈ કરમુર (૪૬)નો સમાવેશ થાય છે.
પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂ.૨,૩૩,૭૦૦, ગંજીપત્તાના પાનાં નંગ-૫૨, બે મોટરસાઇકલ, બે કાર તથા નવ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧૫,૬૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૪, ૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

