Rajkot. તા.16
રાજકોટ શહેર હવે હાદસો કા શહેર બની રહ્યું છે. ત્યારે યુનિવર્સીટી રોડ ઉપર ભગતસિંહ ગાર્ડનની બાજુમાં નકલંક ટી-સ્ટોલ પર 100 રૂપિયાની માથાકૂટમાં સળગતી બોટલના ઘા થતાં લોકોમાં નાશભાગ મચી ગઇ હતી. જો કે, મોટી જાનહાની ટળી હતી. બનાવ અંગે યુની. પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધાં હતાં. પોલીસ પેટ્રોલિંગના અભાવે હોટલો, પાનના ગલ્લા પર મારામારીના બનાવો વધવા લાગતાં લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.
બનાવ અંગે 150 ફૂટ રીંગરોડ પર ગોવર્ધન ચોક પાસે ખોડીયારનગર શેરી નં.17 માં રહેતા જીલ્લાભાઇ ઉર્ફે મુન્નાભાઈ સીરોડીયા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયદેવ રામાવત, ચીરાગ બાવાજી અને અન્ય અજાણ્યાં બે શખ્સોના નામ આપતાં યુની. પોલીસે બીએનએસ એક્ટ 326 (જી), 125(2), 62 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓને યુનિવર્સીટી રોડ ઉપર ભગતસિંહ ગાર્ડનની બાજુમાં નકલંક ટી-સ્ટોલ નામે હોટેલ આવેલ છે. તેમની હોટલ સવારના ચાર વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી શરૂ હોઇ છે. હોટલના કાઉન્ટર ઉપર સવારનાં નાનો ભાઈ જગાભાઈ બેસે છે અને રાતનાં પોતે બેસે છે. હોટલમાં સવારનાં કામ કરવા વાળા વિનુભાઈ તથા રવીભાઈ છે અને રાતનાં કામ કરવા વાળા સાહિલ તથા કિર્તન અને જયેશ છે.
તા.14 ના રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના આસપાસ તેઓ હોટલનાં કાઉન્ટર ઉપર બેસેલ હતાં ત્યારે એક વ્યક્તી આવેલ જેની સાથે પૈસાની લેતી-દેતી બાબતે બોલાચાલી થતા તે વ્યક્તીને પુછેલ કે, કઈ બાબતે માથાકુટ કરો છો, તો સાહિલએ જણાવેલ કે, આ ભાઈ એવુ કહે છે કે મે 100 રૂપિયાની ની નોટ આપેલ છે અને સાહિલે કહેલ કે તેમણે 50 રૂપિયાની નોટ આપેલ છે. બાકી નિકળતા રૂપીયા બાબતે માથાકુટ કરે છે.
દરમિયાન હોટલમાં માસીનો દિકરો સાહિલ જે પાનની દુકાન સંભાળતો હોઈ જેથી તેને કહેલ કે, તે ભાઈનાં કહેવા મુજબ જેટલા રૂપીયા આપેલ હોય તેમાંથી તેમનાં બાકી નિકળતા રૂપીયા તેને પરત આપી દે, તેમ વાત કરતા તે ભાઇએ કહેલ કે, અમે કાંઈ ભીખારી નથી, તમારા હોટલનાં કેમેરા ચેક કરો અને મે કેટલા રૂપીયા આપેલ છે તે બાબતે ખરાઇ કરો તેમ વાત કરતા તે ભાઈને તેઓએ મોબાઇલ આપેલ અને તેમાં હોટલનાં કેમેરા ઓનલાઈન છે.
તે ભાઇને મોબાઇલમાં કેમેરા ખોલતા આવડેલ ન હોય જેથી મોબાઇલ પરત આપેલ હતો.બાદમાં તે શખ્સ કાળા કલરનું એકસેસ લઈને આવેલ હતો.તે વખતે તે વ્યકિતએ કોઈને ફોન કરતા હોટલે એક વ્યકિત આવેલ અને તે આવેલ વ્યકિતએ મોબાઇલમાં કેમેરા ચેક કરવાનું કહેતા મોબાઇલ તે આવેલ વ્યકિતને આપેલ હતો. તેનાથી પણ મોબાઇલનાં કેમેરાનાં ફુટેજ ચેક થયેલ ન હતા.
બંન્નેએ કહેલ તમે તમારા મોબાઇલમાં કેમેરાનાં ફુટેજ બતાડો જેથી બંન્ને વ્યકિતને કહેલ મને મારા મોબાઇલમાં જે કેમેરા સ્ટોર છે તે ચેક કરતા પણ આવડતુ નથી તમારે કેમેરાનાં ફુટેજ ચેક કરવા હોય તો સવારનાં હોટલે આવજો, હુ ટેકનિશિયનને બોલાવી રાખીશ.
બાદમાં બંન્ને શખ્સો ઉગ્ર બોલાચાલી કરવા લાગેલ હતા અને ઝપાઝપી કરી ઢીકાપાટૂનો મુઢમાર મારેલ હતો. બાદમાં બંને શખ્સો પોતાનું એક્સેસ હોટલે મુકીને ચાલીને જતા રહેલ હતા. થોડીવાર બાદ હોટલે એક વ્યકિત જે અવાર નવાર ચાની હોટલે ચા પીવા આવતો હતો, તેણે કહેલ કે, તમારી હોટલે જે હોટલે વ્યકિત સાથે માથાકુટ થયેલ છે તેની સાથે સમાધાન કરી નાંખો તે આવેલ વ્યકિત બાવાજી અને ગરીબ છે.
જેથી તેને કહેલ કે, તે વ્યક્તિને બોલાવી લો એટલે સમાધાન કરી નાંખીયે તેમ વાત કરતાં રાતનાં સવા એક વાગ્યાનાં અરસામાં હોટલની સામે રોડ બાદ શિવશકિત સોસાયટીમાં જવાની શેરી પડતી હોય તે શેરીનાં નાકે એક એકટીવા આવેલ હતું. ત્યાં કુલ બે બાઇકમાં કુલ ચાર માણસો આવેલ અને ત્યાં શેરીમાંથી ઉભા ઉભા એક કાચની બોટલમાં જવલનશીલ પ્રવાહી ભરેલ બોટલનો હોટલ પાસે ઘા કરેલ હતો.
તે જવલનશીલ પ્રવાહી ભરેલ સળગતી કાચની બોટલ હોટલ પાસે પાર્કીંગમાં રહેલ ફ્રીજ પાસે જમીન ઉપર પડેલ હતી અને ઘડાકા ભેર અવાજ આવેલ અને ત્યાં જમીન ઉપર આગ લાગેલ હતી. તે વખતે હોટલે તેઓ અને હોટલમાં કામ કરતા માણસો તથા અન્ય ગ્રાહકો હાજર હતા તેમાં નાસભાગ થવા લાગેલ હતી. આ વખતે ચારેય શખ્સો ત્યાંથી બાઈકમાં નાસી છૂટ્યા હતા.
બનાવમાં હોટલમાં કોઈ નુકશાન થયેલ નથી અને જાનહાની થયેલ ન હતી. બાદમાં જાણવા મળેલ કે, અમારી હોટલે ગ્રાહક તરીકે આવેલ હતો તેનું નામ જયદેવ રામાવત અને બાદ ફોન કરી ને બોલાવેલ હતો તે વ્યકિતનું નામ ચીરાગ બાવાજી હતું. બનાવ અંગે યુની. પોલીસે ગુનો નોંધી પીઆઈ એચ.એન. પટેલ અને ટીમે આરોપીને સકંજામાં લઈ તપાસ આદરી હતી.