Gandhinagar,તા.4
ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની સેવા-સુવિધાઓને સરળ બનાવવા માટે રાજય સરકાર રાજકોટ સહિત આઠ મહાનગરો માટે વિસ્તૃત લોજીસ્ટીક પ્લાન તૈયાર કરી રહી છે. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર અને જુનાગઢને સાંકળતા આ માસ્ટર પ્લાન માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડને નોડલ એજન્સી બનાવવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક પાર્ક પોલીસી 2021, સ્ટેટ ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક માસ્ટર પ્લાન તથા પીએમ ગતિ શકિત ગુજરાત ઈન્ટીગ્રેટેડ માસ્ટર પ્લાન સંલગ્ન નવો લોજીસ્ટીક માસ્ટર પ્લાન ઘડવામાં આવશે.
સુચિત લોજીસ્ટીક માસ્ટર પ્લાનમાં લોજીસ્ટીક ઝોન, ડીલીવરી સિસ્ટમ તથા તેમાં સામેલ હિસ્સેદારો વચ્ચે સંકલન રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.પ્રોજેકટ દરખાસ્તો સહિત લોજીસ્ટીક માસ્ટરપ્લાન ઘડવાની દિશામાં પહેલ હોવાનું રાજય સરકારના સુત્રોએ કહ્યું હતું.
સરકારના એક સિનિયર અધિકારીએ કહ્યું કે, અસરકારક અર્બન ફેઈટ કોરીડોર તથા નિશ્ચિત લોજીસ્ટીક ઝોનનો માસ્ટર પ્લાનમાં સમાવેશ કરાશે. દરેક શહેરનાં પ્રવર્તમાન પરિવહન રૂટનું વિસ્તૃત મેપીંગ કરવામાં આવશે.
ટ્રાફીક જામ થતો હોય તેવા સ્થળોની ઓળખ મેળવીને તેના ઉપાયો નકકી કરવામાં આવશે. માલ પરિવહન સરળ બનાવવા માટે વેરહાઉસ તથા મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબનો કોન્સેપ્ટ લક્ષ્યમાં લેવાશે.
માસ્ટર પ્લાનમાં રીયલ ટાઈમ ટ્રેડીંગ સિસ્ટમ ઓટોમેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ તથા અન્ય ટેકનોલોજી આધારીત આધુનિક સુવિધા સામેલ કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે પણ ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા તથા ગ્રીન કોરીડોર સર્જવા તરફ રાજય સરકારનો અભિગમ છે.
બંદર ધરાવતા ભાવનગર-જામનગર જેવા શહેરો માટે રોડ પરિવહનની સાથોસાથ મેરીટાઈમ કાર્ગોની પણ ખાસ જોગવાઈ કરવામાં આવશે. અમદાવાદ-વડોદરા જેવા ઔદ્યોગીક શહેરો માટે ઉત્પાદન ક્ષેત્રની જરૂરીયાતો પર ફોકસ કરવામાં આવશે.નવા રીંગરોડ, બાયપાસ તથા નિશ્ચિત કોરીડોર જેવા ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ પર લક્ષ્ય રખાશે.
સુત્રોએ કહ્યું કે, કેન્દ્ર તથા રાજયની લોજીસ્ટીક નીતિ સંલગ્ન માસ્ટર પ્લાન તૈયાર થશે ઔદ્યોગીક સંગઠનો તથા લોકલ તંત્રને પણ સાથે રખાશે.