Mumbai,તા.૨૩
આર્યન ખાનની દિગ્દર્શિત પહેલી વેબ સિરીઝ ધ બેડ્સ ઓફ બોલિવૂડ તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ સિરીઝમાં લક્ષ્ય લાલવાણી અને સહર બામ્બા મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત રાઘવ જુયાલ, મનોજ પાહવા, મોના સિંહ અને રજત બેદી જેવા કલાકારો પણ છે. પરંતુ આ સિરીઝમાં કેમિયો રોલ કરનારા કલાકારો ચર્ચામાં રહ્યા છે. વેબ સિરીઝના છેલ્લા એપિસોડમાં દેખાયા રણબીર કપૂરે હવે વિવાદ ઉભો કર્યો છે. તેમના કેમિયોમાં રણબીર ઈ-સિગારેટ અથવા વેપનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો.
રણબીરને વેપનો ઉપયોગ કરતા જોયા બાદ નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશને ફરિયાદ નોંધાવી છે. કમિશન દ્વારા મુંબઈ પોલીસ કમિશનરને લેટર લખવામાં આવ્યો છે. આ લેટરમાં રણબીર કપૂર, શોના નિર્માતા ગૌરી ખાન અને નેટફ્લિક્સ સામે પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ, ૨૦૧૯ના ઉલ્લંઘન બદલ એફઆઇઆર નોંધાવવાની માંગ કરી છે. સાથે જ એનએચઆરસીએ માહિતી અને પ્રસારણ મંત્રાલયને પણ આ પ્રકારના કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી છે. કમિશને આ અંગે કહ્યું છે કે, સ્ક્રીન પર ઇ-સિગારેટનો ઉપયોગ આજના યુવાનોને ગેરમાર્ગે દોરી શકે છે, ખાસ કરીને જ્યારે કોઈ ચેતવણીઓ અથવા ડિસ્ક્લેમર પ્રદર્શિત ન કરવામાં આવે.
રણબીર કપૂરે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ તેના ફેન્સ આ સીનને જોઈને હેરાન છે. થોડા મહિના પહેલા જ રણબીરે એક ફેન્સ સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, તેમણે સ્મોકિંગ અને દારૂ છોડી દીધો છે અને હવે તે સંપૂર્ણ શાકાહારી છે. આવી સ્થિતિમાં શોમાં તેમને વેપ કરતો જોઈને પ્રશ્નો ઉભા થયા છે. આ ઉપરાત રણબીર નિતેશ તિવારીની રામાયણમાં રામની ભૂમિકામાં જોવા મળશે. રણબીરના વેપના ઉપયોગથી દર્શકો પણ નારાજ છે. હાલમાં નિર્માતાઓ કે અભિનેતા દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.