વિક્રાંત મેસ્સીએ ફિલ્મ છોડ્યા પછી ટીમને નવા કલાકારની શોધ કરવી પડી તેથી બધું જ કામ વધુ ટલ્લે ચડી ગયું
Mumbai, તા.૫
ફરહાન અખ્તર અને રણવીર સિંહની ‘ડોન ૩’ની આતુરતાથી રાહ જોઈ રહેલા દર્શકોને હવે કદાચ થોડી વધુ રાહ જોવી પડશે. તાજેતરના અહેવાલો અનુસાર છેલ્લાં કેટલાંક સમય પહેલાં જ ફિલ્મનું શૂટિંગ સહિતનું કામ શરૂ થઈ જવાનું હતું. પરંતુ હવે તેનાં પ્રોડક્શનનાં કામમાં વધુ એક વિઘ્ન આવ્યું છે. ડોન ફ્રેન્ચાઇઝીની આ ત્રીજી ફિલ્મ વધુ એક વખત અટવાઈ ગઈ છે. સૌ પહેલાં આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ ૨૦૨૩માં શરૂ થવાનું હતું, પછી તે પોસ્ટપન થઈને છેક જાન્યુઆરી ૨૦૨૫માં તેનું કામ શરૂ થવાનું હતું. તે પણ ન થયું અને છેક ૨૦૨૫ અડધું વિતી ગયા પછી, લગભગ મે કે જુનમાં તેનું કામ શરૂ થશે એવું નક્કી થયું. પરંતુ ફરહાન અખ્તર હાલ ‘૧૨૦ બહાદુર’માં વ્યસ્ત છે. તેથી હવે ડોનનો સમય વધુ લંબાયો છે. તાજેતરના અહેવાલો અનુસાર ‘૧૨૦ બહાદુર’ના શૂટિંગમાં હજુ વધુ સમય જશે, તેથી આ ફિલ્મ રિલીઝ થાય પછી જ ફરહાન નવી ફિલ્મનું કામ શરૂ કરી શકશે. ખાસ તો વિક્રાંત મેસ્સીએ ફિલ્મ છોડ્યા પછી ટીમને નવા કલાકારની શોધ કરવી પડી તેથી બધું જ કામ વધુ ટલ્લે ચડી ગયું. વચ્ચે એવા પણ અહેવાલો આવ્યા કે ફિલ્મ શેલ્વ કરી દેવાઈ છે, પછી એવી પણ ચર્ચાઓ થઈ કે કિઆરા અડવાણીની જગ્યાએ આ ફિલ્મમાં હવે ક્રિતિ સેનન લીડ રોલમાં જોવા મળશે, પરંતુ એ અંગે પણ કોઈ જાહેરાત થઈ નહીં.આ સિવાય પણ ફરહાન અખ્તરે પેન્ડેમિક દરમિયાન પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ સાથે ‘જીલે ઝરા’ની જાહેરાત કરી હતી, એ ફિલ્મ તો શરૂ ક્યારે થશે એ જ ખબર નથી. એક ઇન્ટરવ્યુમાં આલિયાએ કહ્યું હતું કે બધઆની તારીખો મેળ ખાય એ રીતે શીડ્યુલ બનાવવું અઘરું છે.