Paris,તા.15
દરિયાનાં પાણીની વધતી જતી ખારાશ વૈજ્ઞાનિકો માટે ગંભીર ચિંતાનું કારણ બની છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરિયાનાં પાણીમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે. નિષ્ણાતોએ એન્ટાર્કટિકાના બરફને ઝડપથી ઓગળવાનું કારણ ગણાવ્યું છે.
એન્ટાર્કટિકામાં પાણીની ખારાશમાં વધારો એ એક અસામાન્ય ચેતવણી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ત્યાંની ઊંડા-દરિયાઇ સિસ્ટમમાં કેટલાક મોટા ફેરફારો થઈ રહ્યાં છે.
બરફનું પીગળવું, સમુદ્રનાં પ્રવાહો અને હવામાન આ બધું જ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. પાણીની વધતી જતી ખારાશની સીધી અસર દરિયાઇ જીવસૃષ્ટિ, હવામાન અને માનવીની જરૂરિયાત પર પડે છે.
આ અભ્યાસ પી.એન.એ.એસ. જર્નલમાં પ્રકાશિત થયો હતો. યુરોપનાં ઘણાં દેશોનાં વૈજ્ઞાનિકોએ આ અભ્યાસમાં ભાગ લીધો હતો. યુરોપિયન સ્પેસ એજન્સીના ઉપગ્રહોએ 2011 થી 2023 દરમિયાન દરિયાનાં ખારાશની માત્રા માપી હતી.
વૈજ્ઞાનિકોએ જ્યારે ડેટાનો અભ્યાસ કર્યો ત્યારે તેમને બરફમાં ઘટાડો અને પાણીમાં મીઠાનાં વધારા વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો હતો. સેટેલાઇટ તસવીરોમાં બતાવવામાં આવ્યું છે કે એન્ટાર્કટિકાની આસપાસ દરિયાનું પાણી વધુ ખારું થઈ ગયું છે.
ખારાશ વધવાના ફાયદા
ખનીજો : વધુ ખારા પાણીમાં વધુ માત્રામાં મીઠું અને ખનીજો હોય છે, જેમાંથી દરિયાઇ મીઠું કાઢી શકાય છે.
સજીવો સાથે અનુકૂલન : કેટલીક પ્રજાતિઓ ખારા પાણીમાં રહેવાનું પસંદ કરે છે.
થેરાપી : કેટલીક જગ્યાએ ખારા પાણીથી બનેલાં થેરાપી પૂલ હોય છે, જેનો ફાયદો લોકોને થાય છે.
ગેરફાયદાઓ
સજીવો પર અસર : વધુ ખારાશ દરિયાઇ જીવોની ફળદ્રુપતા અને વિકાસને અસર કરશે.
પ્રવાહોમાં ફેરફાર : સમુદ્રી પ્રવાહો ધીમાં પડી શકે છે અથવા બદલાઇ શકે છે, જે હવામાન ચક્રને વધુ ખરાબ કરી શકે છે.
પીવાના પાણીની કટોકટી : દરિયાકાંઠાના શહેરો પર વધુ જોખમ છે.
ખેતી : વધુ ખારા પાણીથી સિંચાઈથી ઉત્પાદન પર અસર થશે.