Kerala , તા.૧૫
કેરળના પલઈમાં રોમન કેથોલિક ચર્ચની જમીન પર એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે. આ મંદિર લગભગ ૧૦૦ વર્ષ પહેલાં નાશ પામ્યું હોવાની ચર્ચા છે. આ પછી ચર્ચ સમિતિ અને ફાધરે હિન્દુ સમુદાયને ધાર્મિક વિધિ ‘દેવપ્રશ્નમ’ કરવાની પરવાનગી આપી છે. ‘દેવપ્રશ્નમ’ એ ભગવાનની ઇચ્છા મેળવવા માટે કરવામાં આવતી એક જ્યોતિષીય વિધિ છે. સ્થાનિક હિન્દુ સંગઠનો અને ચર્ચના સભ્યોના જણાવ્યા અનુસાર ૪ ફેબ્રુઆરીએ જ્યારે ૧.૮ એકર જમીન પર કસાવા (ટેપીઓકા)ની ખેતી માટે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા હતા, જેમાં શિવલિંગનો પણ સમાવેશ થાય છે.આ જમીન વેલ્લાપ્પડુમાં શ્રી વનદુર્ગા ભગવતી મંદિરથી લગભગ એક કિલોમીટર દૂર આવેલી છે. પહેલા આ જમીન એક બ્રાહ્મણ પરિવારની માલિકીની હતી પરંતુ સમય જતાં તે કેથોલિક ચર્ચ પાસે આવી ગઈ. મંદિરના અવશેષો મળ્યા પછી સ્થાનિક હિન્દુ સંગઠનો અને ચર્ચ સત્તાવાળાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. શ્રી વનદુર્ગા ભગવતી મંદિર સમિતિના સભ્ય વિનોદ કે.એસ.એ જણાવ્યું હતું કે મંદિરના અવશેષો ૪ ફેબ્રુઆરીના રોજ મળી આવ્યા હતા. બે દિવસ પછી ખબર સ્થાનિક લોકોએ ત્યાં દીવા પ્રગટાવ્યા ત્યારે અમને ખબર પડી. જેથી અમે તરત જ પલઈમાં બિશપ હાઉસના પાદરીઓનો સંપર્ક કર્યો અને ફાધરે હિન્દુ ધાર્મિક વિધિઓ કરવાની મંજૂરી આપી હતી. આ મામલે પલઈ ડાયોસીસના ચાન્સેલર ફાધર જોસેફ કુટ્ટીયાંકલે પણ મંદિરના અવશેષોની શોધની પુષ્ટિ કરીને કહ્યું હતું કે, અમારા હિન્દુ સમુદાય સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો છે અને તેને જાળવી રાખીશું. તેમની માંગણીઓ પ્રત્યે અમારો અભિગમ હંમેશા પ્રેમાળ રહેશે. હાલમાં મંદિર સમિતિ જમીન પર દાવો કરવાનું ટાળી રહી છે જેથી કોઈ વિવાદ ન થાય. જોકે, દેવપ્રશ્નમ પછી ભવિષ્યમાં આ સ્થળના ધાર્મિક સ્વરૂપ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.