૫૦ કિમીની ઝડપે બેફામ રિક્ષા હંકારી જીવ જોખમમાં મૂક્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Ahmedabad , તા.૨૮
જશોદાનગર ચાર રસ્તાથી રબારી કોલોની ચાર રસ્તા સુધી રિક્ષાચાલકે બેદરકારીપૂર્વક સર્પાકાર રીતે રિક્ષા હંકારી સ્ટંટ કરતા તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રિક્ષા ચાલક આશરે ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રિક્ષા હંકારી અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મૂકી રહ્યો હતો. પાછળ ટુ-વ્હીલર પર જઈ રહેલા એક યુવકે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયો પોલીસના ધ્યાને આવતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં જણાયું છે કે જશોદાનગર ચાર રસ્તાથી રબારી કોલોની ચાર રસ્તા તરફ રિક્ષા લઈ જતી વખતે ચાલક સોનુસિંહ ખટીકે બેદરકારીપૂર્વક અને સર્પાકાર રીતે રિક્ષા ચલાવી હતી. આ દરમિયાન પાછળથી ટુ-વ્હીલર પર જઈ રહેલા યુવકે મોબાઇલમાં તેનો વીડિયો ઉતારી લીધો હતો. વીડિયોમાં રિક્ષા ચાલક વારંવાર રિક્ષાને સર્પાકાર રીતે હંકારી રહ્યો હોવાનું તેમજ અન્ય વાહનો માટે જોખમી સ્થિતિ સર્જાઈ હોવાનું જોવા મળ્યું હતું.વાયરલ થયેલા વીડિયોમાં રિક્ષા ચાલકની બેફામ ડ્રાઇવિંગના કારણે એક કાર સાથે અકસ્માત થતાં રહી ગયો હોવાનું પણ જોવા મળ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ટ્રાફિક પોલીસે વીડિયો આધારે રિક્ષા ચાલકની ઓળખ કરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપી સોનુસિંહ ખટીક નારોલ વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે ૨૫ ઓગસ્ટના રોજ તે રિક્ષા લઈને જતો હતો ત્યારે કોઈ વ્યક્તિએ તેનો વીડિયો બનાવ્યો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. આરોપીએ પોલીસ સમક્ષ પોતાની ભૂલ બદલ માફી પણ માંગી હતી. આ અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

