નજર ચૂકવી રોકડ,મોબાઇલ અને પર્સ સેરવી લેતી બેલડીને રૂરલ એલસીબી ટીમે પકડી પાડી
Jasdan,તા.15
રિક્ષામાં પેસેન્જરને બેસાડી રોકડ રકમ મોબાઈલ અને પાકીટ સેરવી લેનાર બેલડીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જસદણમાંથી ઝડપી લીધી હતી. રાજકોટના આ બંને શખસો પાસેથી રીક્ષા, મોબાઈલ સહિત રૂપિયા 1.63 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઇ વી.વી. ઓડેદરાની રાહબરી હેઠળ પી.એસ.આઇ એચ.સી. ગોહિલ તથા તેમની ટીમ તપાસમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રણયભાઈ સાવરીયા, ધર્મેશભાઈ બાવળીયા અને વાઘાભાઈ આલને મળેલી બાતમીના આધારે જસદણ વીંછિયા રોડ પરથી રીક્ષા ગેંગના બે સભ્યોને ઝડપી લીધા હતા.
પોલીસે પુછતાછ કરતા આ બંને શખસોના નામ પપ્પુ ઉર્ફે રોહિત રાયધનભાઈ સોલંકી (ઉ.વ 23 રહે. જુના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ, મૂળ કલોરાણા તા. બાબરા) તથા મહેશ ઉર્ફે મયલો જયંતીભાઈ સોલંકી (ઉ.વ 28 રહે. સંત કબીર રોડ, સાગરનગર, મફતિયાપરા રાજકોટ, મૂળ સમી નવાવાસ, રાધનપુર) હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે આ બેલડી રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેમની નજર ચૂકવી ખિસ્સામાં રહેલ મોબાઈલ, પાકીટ તથા રોકડ રકમ સેરવી લેતી હતી. પોલીસે બેલડી પાસેથી ત્રણ મોબાઈલ, રીક્ષા, રોકડ રકમ અને પર્સ સહિત કુલ રૂપિયા 1,63,350 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કામગીરીમાં એલસીબીની ટીમના એએસઆઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, અમિતભાઈ કનેરિયા, હેડ કોન્સ્ટેબલ રસિકભાઈ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ વિજયભાઈ સિંહાર, ભાવેશભાઈ મકવાણા સાથે રહ્યા હતા.