Surendranagar,તા.26
સુરેન્દ્રનગર-મુળીથી તરણેતર મેળામાં જતા વાહનો વગડીયા ફાટક થઈ ખાખરાથળ, કાનપર થઈ તરણેતર જતા રસ્તાને ડાયવર્ટ જાહેર કરાયો છે. સુરેન્દ્રનગર-મુળીથી વગડીયા ફાટક થઈ ખાખરાથળ, કાનપર થઈ તરણેતર આવેલા વાહનો પરત થવા માટે તરણેતર વીડ, નવાગામ, સારસાણા થઈ થાન-વાંકાનેર રોડ ઉપર થઈ થાન ખોડીયાર મંદિર, હાઇસ્કુલ ત્રણ રસ્તા થઈ મુળી-સુરેન્દ્રનગર તરફ જશે.
વગડીયાથી થાન તરફ જતા વાહનો થાનગઢ ખારાના ફાટક થઈ તરણેતર રોડ, કશીશ પેટ્રોલપંપ પાસેથી તરણેતર તરફ જશે અને આ વાહનો તરણેતર થી પરત આવવા માટે તરણેતર વીડ, નવાગામ, સારસાણા થઈ થાનગઢ-વાંકાનેર રોડ થઈ પરત જશે. જેથી આ રસ્તાને પણ ડાયવર્ટ જાહેર કરાયો છે.
થાનગઢ તરફથી મેળાના મુખ્ય પ્રવેશ દ્વારની બહાર સુધી વાહનો આવી શકશે અને મુખ્ય પ્રવેશ દ્વારથી મેળા તરફ કોઈપણ વાહનની પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. ધ્રાંગધ્રા તરફથી મેળામાં આવતા વાહનો તરણેતર મેળા ખાતે બનાવેલા ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ સુધી આવી શકશે ત્યાંથી આગળ મેળા તરફ પ્રવેશબંધી જાહેર કરાઈ છે.
મુળી તરફથી આવતા વાહનો મેળાના પાછળના ભાગે મેળાની બહાર સુધી આવી શકશે અને ત્યાંથી આગળ મેળા તરફ પ્રવેશબંધી જાહેર કરાઈ છે. તરણેતર મેળામાં ઉપર જણાવ્યા મુજબના સ્થળથી મેળા તરફ ઈમરજન્સી વાહનો, એમ્બ્યુલન્સ, પોલીસ વાહનો તથા જે વાહનોને પ્રવેશ અંગેના પાસ આપેલા હશે તેવા વાહનો સિવાય કોઈપણ પ્રકારના વાહનો મેળામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
તરણેતર ખાતે (1) પોલીસના સરકારી વાહનોનું પાર્કિંગ પોલીસ આઉટ પોસ્ટની બાજુમાં (2) તમામ સરકારી વાહનોનું પાર્કિંગ પોલીસ કેમ્પસની સામેના ઢાળ ઉપર માર્ગ અને મકાન(છઇ)ઓફિસની બાજુમાં (3) ટુરીઝમ ખાતે આવેલ પાર્કિંગમાં પાર્કિંગ ઝોન નક્કી કર્યો છે. આ નક્કી કરેલા ત્રણ પાર્કિંગ સિવાય તરણેતર મેળાની અંદરના ભાગે કોઈપણ વાહનો પાર્ક ન કરે તે માટે નો પાર્કિંગ ઝોન વિસ્તાર જાહેર કરાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં “તરણેતર લોકમેળા” પશુપાલન ખાતા અને પશુપાલન શાખા જિલ્લા પંચાયત દ્વારા તા. 26, 27, 28 ઓગસ્ટ, 2025ના રોજ “પશુ પ્રદર્શન હરિફાઈ” આયોજન કરવામાં આવ્યું છે. આ પશુ પ્રદર્શન હરિફાઈમાં રાજ્યભરમાંથી ગીર ગાય, કાંકરેજ ગાય, જાફરાબાદી ભેંસ અને બન્ની ભેંસની ઉચ્ચ ઓલાદના ગુણધર્મો ધરાવતી ગાયો-ભેંસો હરીફાઈમાં સહભાગી થશે. આ હરીફાઈનો મુખ્ય હેતુ પશુપાલકોને ઉચ્ચ ઓલાદના અને વધુ દૂધ ઉત્પાદન ધરાવતા પશુઓ રાખવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. જેથી તેમનું આર્થિક ધોરણ ઊંચું આવી શકે.