London,
ઇંગ્લેન્ડમાં `ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. સ્પર્ધાના પ્રથમ દિવસે પુરુષોની ‘ધ હન્ડ્રેડ’ મેચમાં MI ની નવી ફ્રેન્ચાઇઝી MI લંડન મેદાનમાં ઉતરી હતી. આ રોમાંચક મેચમાં MI ની ફ્રેન્ચાઇઝીને સપોર્ટ કરવા માટે ભારતીય સ્ટાર રોહિત શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા MI ની સૌથી સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ સુકાની રહી ચૂક્યા છે અને તેમની કેપ્ટન્સી હેઠળ મુંબઈ 5 વખત IPL ટ્રોફી જીતી ચૂક્યું છે.
રોહિત શર્માએ તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. જોકે, તેમની સદી છતાં ભારતીય ટીમનો પરાજય થયો હતો. રોહિત હાલમાં ઇંગ્લેન્ડમાં જ રોકાયેલા છે. મેચ દરમિયાન તેમની સાથે MI ફ્રેન્ચાઇઝીના માલિક નીતા અંબાણી પણ ટીમનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા.
જ્યારે રોહિત સ્ક્રીન પર આવ્યા ત્યારે કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રીએ કહ્યુંઃ”આલોચકોને બોલતી બંધ કરાવ્યા પછી રોહિત ખૂબ જ રિલેક્સ દેખાઈ રહ્યા છે. મિશન વનડે પહેલા ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ તેમણે પોતાના બેટથી જવાબ આપીને 138 રન બનાવ્યા.”
MI લંડને `ધ હન્ડ્રેડ’ ની નવી સીઝનની શરૂઆત જીત સાથે કરી છે. તેમની ટક્કર સનરાઇઝર્સ લીડ્સ સામે થઈ હતી. લંડનના ઓવલ મેદાન પર રમાયેલી આ મેચમાં સનરાઇઝર્સે પહેલા બેટિંગ કરતા 143 રન બનાવ્યા હતા. ઓપનર મિચેલ માર્શે 27 બોલમાં સૌથી વધુ 41 રન બનાવ્યા હતા, જ્યારે ટોમ એલ્સોપે 31 રનનું યોગદાન આપ્યું હતું. MI લંડન તરફથી રિચર્ડ ગ્લીસને 25 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, જ્યારે કેપ્ટન સેમ કરનને 2 વિકેટ મળી હતી.
144 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી MI લંડનની શરૂઆત નબળી રહી હતી. માત્ર 4 રનના સ્કોર પર ટીમે 2 વિકેટ ગુમાવી દીધી હતી અને 51 રને જેમ્સ વિન્સના રૂપમાં ત્રીજો ફટકો પડ્યો હતો.પરંતુ ત્યારબાદ સેમ કરન અને નિકોલસ પૂરન વચ્ચે 93 રનની અણનમ અને વિસ્ફોટક ભાગીદારી થઈ હતી.

