Mumbai,તા.૨૧
લાંબા સમય સુધી રાહ જોયા બાદ, આખરે આઇપીએલ ૨૦૨૫ માં રોહિત શર્માના બેટમાંથી એક મોટી ઇનિંગ જોવા મળી. રોહિત શર્માએ આઇપીએલ ૨૦૨૫ ની ૩૮મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર અડધી સદી ફટકારી. રોહિતે સિઝનની પોતાની પહેલી અડધી સદી ૩૩ બોલમાં પૂર્ણ કરી, જેમાં ૨ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા. આ તેની આઇપીએલમાં ૪૪મી અડધી સદી છે. એટલું જ નહીં, તેણે આઇપીએલમાં સીએસકે સામે તેનો ૯મો ૫૦+ સ્કોર બનાવ્યો. આ રીતે, તેણે આઇપીએલમાં સીએસકે સામે સૌથી વધુ ૫૦+ સ્કોર બનાવવાના શિખર ધવન, ડેવિડ વોર્નર અને વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી.
આઇપીએલમાં સીએસકે સામે સૌથી વધુ ૫૦+ સ્કોર
૯ – રોહિત શર્મા
૯ – શિખર ધવન
૯ – ડેવિડ વોર્નર
૯. વિરાટ કોહલી
૬ – કેએલ રાહુલ
પોતાની અડધી સદી પૂરી કર્યાના થોડા સમય પછી, રોહિતે આઇપીએલમાં એક નવો સિમાચિહ્ન પણ હાંસલ કર્યો. ૬૦ રનના આંકડે પહોંચતાની સાથે જ તેણે શિખર ધવનને પાછળ છોડીને શાનદાર કામ કર્યું. રોહિત હવે આઇપીએલમાં બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા ધવન બીજા સ્થાને હતો. ધવને ૨૨૨ આઇપીએલ મેચોમાં ૬૭૬૯ રન બનાવ્યા છે. હવે રોહિતે આઇપીએલમાં ૬૭૭૦ રન બનાવ્યા છે. હવે રોહિતથી આગળ ફક્ત એક જ બેટ્સમેન છે અને તે છે વિરાટ કોહલી.આઇપીએલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેણે આ ટી ૨૦ લીગમાં ૮૩૦૦ થી વધુ રન બનાવ્યા છે. તે એકમાત્ર બેટ્સમેન છે જેણે આઇપીએલમાં ૮૦૦૦ થી વધુ રન બનાવ્યા છે.
આઇપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
વિરાટ કોહલી – ૮૩૨૬
રોહિત શર્મા – ૬૭૭૦
શિખર ધવન – ૬૭૬૯
ડેવિડ વોર્નર – ૬૫૬૫
સુરેશ રૈના – ૫૫૨૮
એમએસ ધોની – ૫૩૭૭
એબી ડી વિલિયર્સ – ૫૧૬૨
સીએસકે સામેની મેચમાં, રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવ સાથે મળીને સદીની ભાગીદારી કરી. આ ભાગીદારીને કારણે, મુંબઈ ઈન્ડિયન્સ ૩ વર્ષ પછી આઇપીએલમાં સીએસકેને હરાવવામાં સફળ રહ્યું. રોહિત શર્મા ૪૫ બોલમાં ૭૬ રન બનાવીને અણનમ રહ્યો. સૂર્યકુમાર યાદવે ૩૦ બોલમાં ૬૮ રનની અણનમ ઇનિંગ રમી.