Mumbai,,તા.૧૯
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૨૩ જુલાઈથી માન્ચેસ્ટરમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રમાશે. ભારતીય ટીમને લોર્ડ્સ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને હાલમાં તે શ્રેણીમાં ૧-૨ થી પાછળ છે. ભારતીય ટીમ વાપસીના ઇરાદા સાથે શ્રેણીમાં પ્રવેશ કરશે, ત્યારે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પાસે ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દેવાની તક હશે.
પંત રોહિતને પાછળ છોડીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી) ઇતિહાસમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની શકે છે. પંતે હાલમાં ડબલ્યુટીસીમાં ૨૬૭૭ રન બનાવ્યા છે, જ્યારે રોહિતે આ ચેમ્પિયનશિપમાં ૨૭૧૬ રન બનાવ્યા છે. એટલે કે, રોહિતને પાછળ છોડી દેવા માટે પંતને વધુ ૪૦ રન બનાવવાની જરૂર છે. ચોથી ટેસ્ટ દરમિયાન પંત પાસે આ સિદ્ધિ હાંસલ કરવાની સુવર્ણ તક હશે.
ભારતીય બેટ્સમેનોમાં, રોહિતે ડબલ્યુટીસી ઇતિહાસમાં ૬૯ ઇનિંગ્સમાં ૨૭૧૬ રન બનાવ્યા છે. પંત બીજા સ્થાને છે જેણે ૬૭ ઇનિંગ્સમાં ૨૬૭૭ રન બનાવ્યા છે. વિરાટ કોહલી ૭૯ ઇનિંગ્સમાં ૨૬૧૭ રન સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. તે જ સમયે, કેપ્ટન શુભમન ગિલે ઉ્ઝ્ર ઇતિહાસમાં ૬૫ ઇનિંગ્સમાં ૨૫૦૦ રન બનાવ્યા છે, જ્યારે રવિન્દ્ર જાડેજાએ ૬૪ ઇનિંગ્સમાં ૨૨૧૨ રન બનાવ્યા છે અને ટોચના પાંચ બેટ્સમેનોમાં સામેલ છે.
ચોથી ટેસ્ટમાં પંતની ઉપલબ્ધતા પર પણ શંકા છે. ત્રીજી ટેસ્ટ મેચમાં વિકેટકીપિંગ કરતી વખતે પંત ઈજાગ્રસ્ત થયો હતો અને તે વિકેટ પાછળ જવાબદારી સંભાળી રહ્યો ન હતો. પંતની જગ્યાએ ધ્રુવ જુરેલ વિકેટકીપિંગ માટે આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંતને માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ રમવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. ત્રીજી ટેસ્ટ મેચ પછી, ગિલે પંતની ફિટનેસ વિશે કહ્યું હતું કે, પંત સ્કેન માટે ગયો છે અને ઈજા ખૂબ ગંભીર નથી, તેથી તે ચોથી ટેસ્ટ પહેલા ફિટ થઈ જશે.
ભારતીય ટીમ માટે શ્રેણીમાં ટકી રહેવા માટે ચોથી ટેસ્ટ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારત આગામી મેચ હારી જશે, તો તે શ્રેણી ગુમાવશે. પંત આ શ્રેણીમાં સારા ફોર્મમાં છે અને ચોથી ટેસ્ટ મેચમાં પણ તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.