ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા કોન્ટ્રાક્ટ અંકુરભાઈ ગમારાનું મોત નીપજ્યું તું
Rajkot,તા.10
મોરબી- ટંકારા હાઈવે ઉપર આગળ જતા ટ્રક સાથે કાર અથડાવાથી પરિવાર સાથે જઈ રહેલા કોન્ટ્રાક્ટ અંકુરભાઈ ઝાલાભાઈ ગમારાનું ગંભીર ઇજાથી મૃત્યુ થયા અંગેના નવ વર્ષ પહેલાના કેસમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ દ્વારા ગુજરનારના વારસોને વ્યાજ સાથે આશરે ૮૫ લાખ જેટલું જંગી વળતર ચુકવવા વીમા કંપનીને હુકમ ફરમાવ્યો છે.આ કેસની હકીકત મુજબ, મોરબીના કોન્ટ્રાક્ટર અંકુરભાઈ ઝાલાભાઈ ગમારા કારમાં પરિવાર સાથે અને ટંકારા મોરબી હાઈવે પર જતાં હતા ત્યારે આગળ જતાં રૂ ભરેલા ટ્રકના ચાલકે ટ્રક જમણી સાઈડમાં લેતા પાછળથી અંકુરભાઈની કાર ભટકાઇ જતા ગંભીર ઇજાના કારણે અંકુરભાઈનું મૃત્યુ થયું હતું, તેથી ગુજરનારના વારસો દ્વારા તેમના એડવોકેટ મારફત રાજકોટ મોટર એકસીડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલમાં વળતર અંગેનો કેસ દાખલ કરેલ હતો. આ કેસ ચાલતાં આ કામમાં ગુજરનાર અંકુરભાઈ સામે ટ્રકના ડ્રાઇવર દ્વારા ફરીયાદ આપવામાં આવેલ હતી. તથા સામાવાળા વીમા કું. દ્વારા આ કામમાં પોતાની જવાબદારી થતી નથી, કારણ કે એફ.આઈ.આર. ગુજરનારની સામે થયેલ છે, આવો બચાવ લેવામાં આવેલ હતો. પરંતુ અરજદારોના એડવોકેટ ભાવેશ મકવાણા તથા મૌલિક જોષીની ધારદાર દલીલ અને રજુ કરેલ દસ્તાવેજોના તથા ફરિયાદ તથા પંચનામાના આધારે કરેલ દલીલો તથા સામાવાળા ટ્રકના ડ્રાઇવરની કરવામાં આવેલ ઉલટ તપાસ તેમજ ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો ધ્યાને લઈ સ્પેશીયલ મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રિબ્યુનલે સામાવાળા વીમા કંપનીને ૪૮,૧૯ લાખ ૯% વ્યાજ તથા ખર્ચ ફરીયાદની દાખલ તારીખથી ચુકવણું થતાં સુધી ફરીયાદીને ચુકવી આપવા હુકમ ફરમાવેલ છે. એટલે કે અંદાજે વ્યાજ સાથે આ રકમ ૮૫ લાખ જેવી માતબર રકમ આ ચુકવવાની થાય છે. આ કેસમાં અરજદાર વતી યુવા એડવોકેટ મૌલિક એ. જોષી તથા ભાવેશ એચ.મકવાણા રોકાયા હતાં.