Moscow, તા.4
બહુ ઝડપથી બદલાઇ રહેલા જિયો પોલીટીકલ વાતાવરણ વચ્ચે એક સમયે સોવિયેટ સંઘ કે જેનો રશિયા એક ભાગ હતું તેના દ્વારા અફઘાનિસ્તાન પર કબ્જા માટે હુમલો કરાયો હતો અને તેના પગલે તાલિબાનનું સર્જન થયું હતું. તે તાલિબાનની સરકારને આજે રશિયાએ ડિપ્લોમેટીક માન્યતા આપીને એક મોટો ઇતિહાસ રચ્યો છે.
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને આ રીતે માન્યતા આપનાર રશિયા પ્રથમ દેશ છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ રશિયાના પગલે અત્યંત હિંમતભર્યુ ગણાવ્યું હતું. તેઓ કાબુલમાં રશિયાના રાજદુત ડીમીટ્રી ઝીરનોવને મળ્યા હતા અને રશિયન સરકારના નિર્ણય બદલ આભાર માન્યો હતો.
તાલિબાનની સરકાર ઇસ્લામીક અમીરાત ઓફ અફઘાનિસ્તાન તરીકે ઓળખાય છે અને અત્યાર સુધીમાં દુનિયાના કોઇપણ દેશે તાલિબાનની આ સરકારને માન્યતા આપી નથી. પરંતુ રશિયાના પગલે હવે અન્ય દેશો પણ તાલિબાન સરકારને માન્યતા આપશે.
રશિયન વિદેશ મંત્રાલયના એક વિધાનમાં જણાવાયું છે કે અમે માનીએ છીએ કે ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન અને રશિયાના સંબંધોને વધુ મજબુત બનાવવા માટે આ કદમ જરૂરી છે. રશિયાએ સમયે નિર્ણય લીધો છે કે તાલિબાનમાં હજુ સ્થાનિક શાસન દ્વારા દેશમાં માનવ અધિકાર કે અન્ય કોઇ સ્વતંત્રતા અંગે પારદર્શકતા લાવવામાં આવી નથી.
હાલમાં તાલિબાન સરકારે મીડિયા ઉપર પણ આકરા પ્રતિબંધ લાગુ કર્યા છે અને તેમાં વિદેશી મીડિયાનો સમાવેશ કર્યો છે. ર0ર1માં અમેરિકાની વિદાય બાદ કાબુલ ઉપર તાલિબાનનો પૂર્ણ કબ્જો થઇ ગયો છે પરંતુ દેશના અનેક વિસ્તારોમાં હજુ અલગ અલગ જુથો પોતાનું સમાંતર સામ્રાજય ચલાવે છે.
તાલિબાન દ્વારા પોતાના દુતાવાસ ખોલવામાં પણ અનેક દેશોને વિનંતી કરાઇ છે પરંતુ તેને માન્ય રખાઇ નથી. અત્યાર સુધી અફઘાનિસ્તાનમાં રશિયા પોતાના ખાસ પ્રતિનિધિને નિયુકત કર્યા હતા તે હવે રશિયાના પ્રથમ રાજદુત પણ બની જશે. રશિયાનું આ પગલુ એ મધ્ય એશિયામાં નવા સમીકરણો સર્જી શકે છે.