RAJKOT,તા.25
સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત પૂજ્ય મોરારીબાપુની રામકથામાં ઉપસ્થિત રહ્યા બાદ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજકોટ ખાતેના આર્ષ વિદ્યા મંદિરની મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મંદિરના સ્વામી શ્રી પરમાત્માનંદજીના જનહિતના સેવાકાર્યને બિરદાવતા કહ્યું હતું કે, સાચો ધર્મ અને કર્મ એ જ છે કે, જેમાં લોકોનું હિત સમાયેલું હોય છે.
સદ્દભાવના વૃદ્ધાશ્રમ આજે અનેક વૃદ્ધ માતા – પિતાના કલ્યાણ માટે નિમિત્ત બની રહ્યું છે અને શુભ કાર્યોમાં ઉપયોગ થકી દાતાઓના ધનને પણ સાર્થક કરી રહ્યું છે. રાજ્યપાલશ્રીએ સંસ્થામાં જોડાયેલા સેવાકર્મીઓને જનકલ્યાણ હેતુ પૂરા તન – મન – ધનથી સેવા કરવાનું કહીને અન્ય લોકો પણ આ ઉમદા કાર્યમાં જોડાય તેવા પ્રયાસ કરવા કહ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સદભાવના વૃદ્ધાશ્રમમાં સુંદર વ્યવસ્થા જોઈ પાયાની કામગીરી કરતા સફાઈ કર્મીઓને પણ બિરદાવ્યા હતા. આ તકે તેમણે આશ્રમની ગૌશાળાની મુલાકાત પણ કરી હતી. તેમજ અન્ય સેવા કર્મીઓ અને દાતાશ્રીઓને આ પુણ્યકાર્યને આગળ ધપાવતા રહેવા શુભકામના પાઠવી હતી.
આ કાર્યક્રમમાં આર્ષ વિદ્યા મંદિરના સાધ્વી શ્રી ધ્યાનાનંદજી, જૈન મુનિ શ્રી લોકેશાનંદજી, કલેકટર શ્રી પ્રભવ જોશી, પ્રાંત અધિકારી મહેક જૈન, વિમલ ચક્રવર્તી, દાતાશ્રીઓ અને સેવા કર્મીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.