New Delhi તા.27
મહાનગરો-મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા વચ્ચે ઓલા-ઉબેર જેવી ટેકસી-બાઈક રાઈડનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આવી પરિવહન સેવાના ધોરણે ‘સહકાર ટેકસી’શરૂ કરવાની જાહેરાત કરી છે.
આ સ્કીમ હેઠળ ટેકસી ચાલકોને કોઈ કમીશન નહી ચુકવવુ પડે અને 100 ટકા કમાણી ચાલકોને જ મળશે. ટેકસી ચાલકોનાં હિતમાં સહકારી ધોરણે આ સેવા શરૂ કરવામાં આવશે.
લોકસભામાં અમિત શાહે જણાવ્યું હતું કે સહકાર એ સમૃધ્ધિ દ્રષ્ટિકોણ હેઠળ આ યોજના તૈયાર કરવામાં આવી છે.આ માત્ર સ્લોતાન (સુત્ર) નથી. સહકાર મંત્રાલય સાડા ત્રણ વર્ષથી તેના પર કામ કરી રહ્યું છે.
તૂર્તમાં સહકાર ટેકસી લોન્ચ થશે અને તેની સમગ્ર કમાણી ચાલકને મળશે.આ યોજના હેઠળ સહકારી સંસ્થાઓ ટુ-વ્હીલર, ટેકસી, રીક્ષાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે અને તેની કમાણી સીધી ચાલકોને અપાશે.
ઓલા-ઉબેર જેવી કંપનીઓ દ્વારા ભારેખમ નાણાં વસુલાતા હોવાના ઉહાપોહ વચ્ચે ગૃહમંત્રીની આ જાહેરાત મહત્વની બની જાય છે.રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ઓથોરીટી દ્વારા તાજેતરમાં બન્ને કંપનીઓને નોટીસ ફટકારી જ હતી. આઈફોન અને એન્ડ્રોઈડ ફોનથી ટેકસી બુક કરાવવા પર ભાડા અલગ અલગ રહેતા હોવાની ફરીયાદ પરથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઓલાએ જોકે આરોપ નકાર્યો હતો અને તમામ પ્રકારનાં ગ્રાહકો માટે સમાન ભાડા પદ્ધતિ હોવાનો બચાવ કર્યો હતો. ઉબેર દ્વારા પણ આક્ષેપ નકારવામાં આવ્યો હતો. ફોનના મોડેલનાં આધારે ભાડા અલગ રહેતા હોવાની વાત નકારી હતી.