Jamnagar, તા.17
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ રહીશ અને હાલ જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતા એક રીઢા ગુનેગાર દ્વારા કોર્ટના અહીં પ્રવેશબંધીના હુકમનો અનાદર કરવામાં આવતા પોલીસ દ્વારા તેની એસ.ટી. બસમાંથી અટકાયત કરવામાં આવી હતી.
પરંતુ આરોપી દ્વારા હાથકડી પહેરીને પણ પોલીસ સ્ટાફ ઉપર હુમલો કરી, સરકારી વાહનમાં નુકસાની કરવામાં આવતા આ અંગે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની સિલસિલા બંધ વિગત એવી છે કે સલાયા ગામે કેટલાક શખ્સો દ્વારા ગેંગ બનાવી અને ગુનાઓ આચરવામાં આવતા આ ગેંગના સભ્યો વિરુદ્ધ પોલીસતંત્ર દ્વારા ગુજસીટોકની આકરી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ ગુનેગારો પૈકીના એક એવા સલાયાના ગોદીપાડો વિસ્તારના મૂળ રહીશ અને જામનગર તાલુકાના સિક્કા ગામના રિઝવાન રજાક સંઘાર નામના 27 વર્ષના શખ્સને અદાલતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવેશ ન કરવા માટેનો હુકમ કર્યો હતો. દરમિયાન શનિવાર તા. 15 ના રોજ પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ઉપરોક્ત શખ્સ સલાયા ખાતે આવ્યો હતો અને સલાયાથી જખૌ તરફ જતી એસ.ટી.ની બસમાં જવાનો છે.
આથી સલાયા મરીન પોલીસ મથકનો સ્ટાફ ખાનગી વાહનોમાં સલાયાથી નીકળીને ખંભાળિયા – જામનગર માર્ગ પર અત્રેથી આશરે 8 કિલોમીટર દૂર આવેલા ટોલ ગેઈટ પાસે પહોંચ્યા હતા. જ્યાં એસ.ટી. બસને અટકાવી સલાયા પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી પોલીસની ટીમએ આરોપી રિઝવાન સંઘારને બસમાંથી ઉતાર્યો હતો. આ વચ્ચે પોલીસને ધ્યાનમાં હતું કે ઉપરોક્ત શખ્સ ભૂતકાળમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થવાની ટેવ ધરાવતો હતો.
આથી પોલીસની ટીમ દ્વારા તેને હાથકડી પહેરાવી અને સરકારી બોલેરોમાં બેસાડી લઈ જવામાં આવતો હતો. આ વચ્ચે આરોપી રીઝવાને ફરજ પર રહેલા પોલીસ કર્મચારી પીઠાભાઈ જોગલ ઉપર હાથ કડી પહેરેલા હાથ વડે હુમલો કર્યો હતો. જેથી તેમને ઈજાઓ થવા પામી હતી.
એટલું જ નહીં, તેણે જાતે જ પોતાનું માથું સરકારી બોલેરો વાહનના પાછળના દરવાજાના કાચ ઉપર અથડાવ્યું હતું. આ વચ્ચે આરોપી દ્વારા સરકારી બોલેરો વાહનમાં પણ નુકસાની કરી હોવાનું જાહેર થયું છે.
આરોપી રીઝવાન સંઘાર તથા તેના સાથીદારો ભૂતકાળમાં પણ પોલીસ વિરુદ્ધ ખોટા આક્ષેપો કરી અને પોલીસની ફરજમાં રૂકાવટ કરી, પોલીસ ઉપર એસોલ્ટ કરવાની ટેવ ધરાવતા હોવાના બનાવ વચ્ચે આરોપી રીઝવાન સંઘાર દ્વારા પોલીસ કર્મચારી પર હુમલો કરી અને સરકારી વાહનમાં નુકસાની કરવા ઉપરાંત જિલ્લામાં પ્રવેશબંધી અંગે કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરી, વિવિધ પ્રકારે ગુનો આચરવા સબબ હેડ કોન્સ્ટેબલ પીઠાભાઈ જોગલની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે રીઝવાન સંઘાર સામે ભારતીય ન્યાય સહિતા અને પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. યુ.કે. જાદવ ચલાવી રહ્યા છે.

