Mumbai,તા.21
બોલિવૂડ એક્ટર સલમાન ખાનને તાજેતરમાં ફરી ધમકી મળી છે. આ પછી તે સુરક્ષાને લઈને વધુ સતર્ક બની ગયો છે. મુંબઈ ટ્રાફિક પોલીસને નવો ધમકીભર્યો સંદેશ મળ્યો છે, જેમાં અભિનેતા પાસેથી રૂ. 5 કરોડની માંગણી કરવામાં આવી છે. આ પછી સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમજ અભિનેતા પણ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યો છે. અહેવાલ અનુસાર સલમાન ખાને પોતાના માટે નવી બુલેટપ્રૂફ કાર ખરીદી છે.
સલમાન ખાને ખરીદી નવી બુલેટપ્રૂફ કાર
મીડિયા રિપોર્ટ અનુસાર, સલમાન ખાને બુલેટપ્રૂફ નિસાન પેટ્રોલ એસયુવી ખરીદી છે. આ કાર ભારતીય બજારમાં ઉપલબ્ધ ન હોવાથી અભિનેતા દુબઈથી ખરીદી રહ્યો છે. કારની કિંમત લગભગ રૂ. 2 કરોડ હોવાનું કહેવાય છે. તેમજ કારને ભારત લાવવા માટે ઈમ્પોર્ટ ડ્યૂટી અને અન્ય પ્રકારના ટેક્સ પણ ચૂકવવા પડશે.
નવી બુલેટપ્રૂફ કારની ખાસિયત શું છે?
સલમાન ખાનની આ નવી કારની વિશેષતા જોઈએ તો તેમાં ઘણા ફીચર છે. આ કારમાં એક્સપ્લોઝિવ ઈન્ડિકેટર લગાવવામાં આવ્યા છે. કારની ગ્લાસ શિટ ખૂબ જ જાડી છે જેથી પોઈન્ટ બ્લેન્ક બુલેટ શોટ સામે રક્ષણ મેળવી શકાય. આ કારના ગ્લાસ એવી રીતે બનાવવામાં આવેલા છે કે કારમાં કોણ બેઠેલું છે તે ખબર ન પડે.
ગયા વર્ષે પણ બુલેટપ્રૂફ કાર મંગાવી હતી
અગાઉ ગયા વર્ષે પણ સલમાન ખાનના પિતા સલીમ ખાનને ધમકીઓ મળતા UAEથી બુલેટપ્રૂફ કાર મંગાવી હતી. સલમાન ખાન હાલમાં રિયાલિટી ટીવી શો બિગ બોસ 18 અને તેની આગામી ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે. ગયા અઠવાડિયે બાબા સિદ્દિકીની હત્યા બાદ સલમાન ખાન પ્રથમ વખત કામ પર પાછો ફર્યો હતો. હાલ અભિનેતાને Y+ સિક્યોરિટી આપવામાં આવી રહી છે.