Jasdan, તા. 2
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા સ્થળોએ વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલનાં વેપલા અંગે ઉઠેલી ફરિયાદનાં પગલે ગઇકાલે પુરવઠાની સ્ટેટ વિજીલન્સની ટીમો સ્થાનિક પુરવઠાનાં સ્ટાફ અને પોલીસને સાથે રાખી રાજકોટ જિલ્લાનાં આટકોટ તથા કેશોદ અને માળીયા (હાટીના)માં ત્રાટકી હતી.
39 હજાર લિટર જેટલો ગેરકાયદેસરનો બાયોડિઝલનો જથ્થો ઝડપી લીધો હતો. આ અંગેની પુરવઠાની સ્ટેટ વિજીલન્સનાં સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ વિજીલન્સે ગઇકાલે કેશોદના દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝમાંથી 6 હજાર લીટર માળીયા (હાટીના)નાં સુર્યા વંદના એન્ટરપ્રાઇઝમાંથી 8 હજાર લીટર તથા આટકોટ પાસે વર્ણીરાજ હોટલ પાસેથી 25 હજાર લીટર બાયોડીઝલ ઝડપી લઇ જથ્થો સીઝ કરી દીધો હતો.
દરમ્યાન જસદણથી મળતા અહેવાલો મુજબ જસદણ તાલુકાના આટકોટ ગોંડલ ચોકડી પાસે આવેલી વરણીરાજ હોટલ પાસે જ જાહેરમાં ઓફિસ ખોલી અને જમીનમાં ચારથી વધુ ટાંકા બનાવી તેમાં શંકાસ્પદ ઇંધણ સંઘરીને બેરોકટોક વેપલો થતો હોવાની બાતમીના આધારે ગાંધીનગર અને રાજકોટ પુરવઠા, જસદણ મામલતદાર અને આટકોટ પોલીસે સંયુક્ત રીતે દરોડો પાડયો હતો અને 25,000 લિટર શંકાસ્પદ ઇંધણનો જથ્થો કબજે લીધો હતો.
આટકોટ ગોંડલ ચોકડી પાસે આવેલી હોટલ વરણીરાજ પાસે રાજકોટ ભાવનગર હાઇવે પર જ ઓફિસ ખોલીને મનિષ ઠાકર સહિત ચાર શખ્સ શંકાસ્પદ ઇંધણનો વેપલો કરતા હોવાની બાતમી પરથી ગાંધીનગરથી પુરવઠા ટીમ ત્રાટકી હતી અને સ્થળ પરથી ટેન્કર, જમીનમાં સંગ્રહાયેલો 25,000 લિટર ઇંધણનો જથ્થો કબજે લીધો હતો તેમજ ઓફિસને સીલ મારી દેવાયું હતું, જો કે મિલન ઠાકર સહિત કોઇ હાજર મળી ન આવતાં તેમની સામે કાર્યવાહીનો તખ્તો તૈયાર કરાયો છે અને ઇંધણના સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.