Rajkot,તા.1
આજે નવા વર્ષના પ્રારંભે પણ કચ્છનાં નલિયાને બાદ કરતા ઠંડી સામાન્ય રહેવા પામી હતી. આજે નલિયામાં 6.4 ડિગ્રી તથા રાજકોટમાં 11.5 અને ભુજમાં 11.4 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો.
જયારે અન્ય સ્થળોએ ઠંડી સામાન્ય રહી હતી. આજે અમદાવાદ ખાતે 15.4, અમરેલીમાં 13.7, વડોદરામાં 16, દાહોદમાં 14.1, દમણમાં 19.2, ડાંગમાં 17.7, ડિસામાં 12.1, દિવમાં 17, દ્વારકામાં 14.8, કંડલામાં 14, ઓખામાં 18.8, પોરબંદરમાં 13, સુરતમાં 17.8, અને વેરાવળ ખાતે 18.1 ડીગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું હતું.
તેમજ જામનગરમાં લઘુતમ તાપમાનમાં નજીવો ઘટાડો થતા ઠંડી યથાવત રહી છે. બુધવારે ન્યુનતમ તાપમાન 13.5 ડીગ્રી નોંધાયું હતું. બર્ફીલા પવનના કારણે દિવસભર ટાઢોડું રહ્યું હતું. પાંચ દિવસ હવામાન સુકું, ઠંડુ અને ચોખ્ખુ રહેવાની આગાહી કૃષિ યુનિ. દ્વારા કરવામાં આવી છે.
ઉતર ભારતમાં થઈ રહેલી હીમવર્ષાની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે. શીતલહેરના કારણે જામનગરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઠંડી સામે રક્ષણ મળે તે માટે લોકો ગરમ વસ્ત્રો ઉપરાંત ગરમપીણા અને તાપણાનો પણ સહારો લઈ રહ્યા છે. શહેરમાં આજે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન નજીવા ઘટાડા સાથે લઘુતમ તાપમાન 13 ડીગ્રી જયારે 1 ડીગ્રી વધીને મહતમ તાપમાન 26.5 ડીગ્રી નોંધાયું હતું.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ 62 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ 3.9 કીમી રહી હતી. શહેરમાં તીવ્ર ઠંડી પડી રહી છે. ત્યારે તા.1થી 5 જાન્યુઆરી સુધી હવામાન સુકું, ઠંડુ અને ચોખ્ખુ રહેવાની આગાહી જુનાગઢ કૃષિ યુનિ. દ્વારા કરવામાં આવી છે.
જયારે ગોહિલવાડ પંથકમાં પણ ઠંડીનું જોર યથાવત રહ્યું છે. આજે બુધવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન 15.6 ડીગ્રી રહ્યું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 87 ટકા રહેવા પામ્યું હતું. જયારે પવનની ઝડપ 8 કી.મી. પ્રતિકલાકની રહી હતી.