સૌરાષ્ટ્રનો દરિયા કિનારો સોમનાથ, દ્વારકા, નાગેશ્વર જેવા પવિત્ર યાત્રાધામોની સાથોસાથ ચોરવાડ, માધવપુર કે શિવરાજપુર જેવા બીચ તેમજ બંદર અને માછીમારી ઉદ્યોગ માટે જાણીતો છે. ઉપરાંત સૌરાષ્ટ્રની દરિયાઈ ધરા પર વન વિભાગ મેરામણના મોતી એવા કાચબાઓનું સંવર્ધન કરે છે. “કાચબીને કાચબો રહેતા જળમાં, એવા લેતા હરીનું નામ” ગુજરાતી ભજનમાં પણ કાચબાઓનો ઉલ્લેખ જોવા મળે છે. દર વર્ષે ૨૩ મે ના રોજ દુનિયાભરમાં “વિશ્વ કાચબા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે કાચબાનું સંરક્ષણ કરી વિશ્વના અજન્મા કાચબાઓની યશોદા માતા બનતા ગુજરાત વન વિભાગની ઉમદા ફરજ અને પરિશ્રમ વિશે આપણે જાણીએ.
સૌરાષ્ટ્રના લગભગ ૧૨૦ કિલોમીટરથી વધુ દરિયાકાંઠા વિસ્તાર જેમાં પોરબંદરનું માધવપુર, દેવભૂમિ દ્વારકા ખાતે ઓખામઢી અને કલ્યાણપુર ખાતે નાવદ્રા સહિત ત્રણ કાચબા ઉછેર કેન્દ્રો કાર્યરત છે. આ ત્રણેય કાચબા ઉછેર કેન્દ્રમાં સૌથી જૂનું પોરબંદરના માધવપુર દરિયાકાંઠાનું કાચબા ઉછેર કેન્દ્ર છે. જે અગાઉ ‘મરીન નેશનલ પાર્ક’ પાસે હતું. હાલ, ત્રણેય કેન્દ્રોને ગુજરાત વન વિભાગ સંભાળી રહ્યું છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સૌથી વધુ ગ્રીન અને ઓલીવ રિડલી કાચબા જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા તથા એશિયાના દરિયાઈ દેશોના હજારો કિલોમીટરના અંતરનો દરિયો ખેડી કાચબીઓ હોકાયંત્ર જેવી સૂઝથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે માળા કરવા આવે છે. તેઓના મગજ મેગ્નેટિક મિનરલયુક્ત હોવાથી તેઓ પૃથ્વીના ભૂચુંબકીય ક્ષેત્રની તથા ચુંબકીયકોણ પ્રત્યે સંવેદનશીલ બની તેના તરફ ખેંચાઈ છે. આ કારણોસર તેમનામાં ‘હોકાયંત્ર’ જેવી સૂઝ (‘કંપાસ સેન્સ’) હોય છે. જેની મદદથી જે જગ્યાએ કાચબીઓનો જન્મ થયો હોય તે જન્મભૂમિ પર પરત ફરીને માળા બનાવી ઈંડા મુકે છે.
ગ્રીન અને ઓલીવ રિડલી કાચબીઓ માળા બનાવતા પહેલા સમુદ્રના વિસ્તારનું નિરીક્ષણ કરવાની કામગીરી, તાપમાન અને યોગ્ય સમય જોઇને રાતના અંધારામાં ખાડો ખોદવાનું શરૂ કરે છે. જેમાં તેઓને બે થી ત્રણ કલાક જેટલો સમય લાગે છે. ત્રણ ફૂટ જેટલો ઊંડો ખાડો કરી ૧૦૦ થી ૧૩૦ જેટલા ઈંડા મુકીને રેતીથી ઢાંકી દઈ પ્રકૃતિના સાનિધ્યમાં મૂકીને દરિયા તરફ પ્રયાણ કરે છે. ત્યારબાદ ગુજરાતનું વન વિભાગ આ કામગીરીમાં સક્રિય બની આ કાચબીઓના ઈંડાનું સંરક્ષણ કરીને સુરક્ષિત સ્થળે(કાચબા ઉછેર કેન્દ્રમાં) મુકવામાં આવે છે.
વર્ષ ૧૯૯૯થી ભારત સરકાર દ્વારા યુ.એન.ડી.પી. સી ટર્ટલ પ્રોજેક્ટ અન્વયે કાચબાની લુપ્ત થતી પ્રજાતિને બચવવા પહેલ કરવામાં આવી હતી. જે અન્વયે સરકારી તંત્ર દરિયાઈ કાંઠાના સ્થાનિક લોકોની મદદથી કાચબાઓના સંરક્ષણ માટે કાચબા ઉછેર કેન્દ્ર, જન જાગૃતિ કાર્યક્રમો સહિતની જરૂરી તમામ કામગીરી કરવામાં આવે છે.
માળાની શોધથી લઈને ઈંડાને સુરક્ષિત સ્થળે મુકવા, તેનું જતન કરવું, બચ્ચાનો જન્મ અને બચ્ચાને દરિયામાં છોડવા સુધીની કામગીરી વન વિભાગ બખૂબીથી નિભાવે છે. વિગતવાર જાણીએ તો, વન કર્મીઓ ચોક્કસ ઋતુ સમયે કાચબીના અવરજવરના નિશાન પરથી કાચબીના માળાની શોધખોળ કરી મળેલ ઈંડાને કાળજીપૂર્વક બહાર કાઢવા અને માળાનું તાપમાન તથા ઊંડાણનું માપન કરીને હેચરી એટલે કાચબા ઉછેર કેન્દ્રમાં લઇ જવામાં આવે છે. હેચરી ખાતે કાચબીઓએ બનાવેલા માળા સમાન કૃત્રિમ માળા તૈયાર કરવામાં આવે છે. જેમાં ઈંડાને કાચબીએ ગોઠવેલી પરિસ્થિતિમાં મુકવામાં આવે છે અને ઇંડાઓની માળાવાર અલગ-અલગ ગણતરી કરી માળા દીઠ અલગ-અલગ પાંજરા મુકવામા આવે છે. જેથી કયા માળામાંથી બચ્ચા આવ્યા છે તેનો ખ્યાલ આવી શકે તથા તેની નોંઘણી થઇ શકે.
ઉલ્લેખનીય છે કે, એક કાચબી અંદાજે ૧૦૦ થી વધુ ઈંડા મુકે છે. ત્યારબાદ, ઈંડામાંથી ૪૦ થી ૬૦ દિવસમાં બચ્ચા બહાર આવે છે. ઇંડામાંથી કાચબાના બચ્ચા બહાર આવે ત્યારે તેઓને વોકિંગ એક્સરસાઇઝ માટે દરિયાની રેતીના આવરણમાં રાખવામાં આવે છે અને બચ્ચાઓને સિમેન્ટ ટેન્કમાં દરિયાઇ પાણીમાં રાખવામા આવે છે. ત્યારબાદ, આખરે બચ્ચાઓને દરિયામાં છોડવામાં આવે છે. આમ, વન વિભાગ આ બચ્ચાની જાળવણી “યશોદા માતા” સમાન કરી તેઓને સુરક્ષિત રાખે છે.
પોરબંદરના માધવપુર કાચબા ઉછેર કેન્દ્ર ખાતે વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૪ સુધીમાં ચૌદ હજાર બચ્ચાઓનો જન્મ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામઢી ખાતે ૭૩૫ માળાઓ બનાવી ૫૮ હજારથી બચ્ચાઓનો જન્મ થયો છે. જયારે કલ્યાણપુર ખાતેના નાવદ્રા ખાતેના છેલ્લા બે વર્ષમાં અંદાજે ૪૦ માળામાંથી ૨૭૦૨ બચ્ચાઓએ જન્મ લીધો છે.
સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવેલી આ ત્રણેય કાચબા ઉછેર કેન્દ્રમાં ‘’હેચરી’’ ૫ર ઇંડાઓનો ઉછેર કરીને આ પ્રજાતિઓને બચાવવામાં મદદ કરે છે. આ સાથે માછલીઓ પકડવાની જાળમાં ટર્ટલ એક્ષકલુડર ડિવાઈસ જે લોખંડની ગ્રીલ હોય છે, જેમાંથી મોટા જળચર પ્રાણીઓ બહાર નીકળી જાય છે. જેનો ઉપયોગ કાચબા જાળમાંથી છુટી શકે તે માટે કરવામાં આવે છે.
આ ઉપરાંત તા.૨૩ મે ના રોજ દ્વારકા જિલ્લાના ઓખામઢી અને કલ્યાણપુરના નાવદ્રા કાચબા ઉછેર કેન્દ્ર સ્થાનિક લોકોને બાળકોને અને માછીમારોને કાચબા વિશે તેના મહત્વ અંગેની ચર્ચાઓ, કાચબા બચાવવા માટે TEDનો ઉપયોગ, દરિયાની સ્વચ્છતા અને મેરામણના મોતીનું રક્ષણ કરવા અંગે વધુમાં વધુ લોકોમાં જાગૃતિ આવે તે માટે ગુજરાત વન અને પર્યાવરણ વિભાગ સતત કાર્યરત રહે છે.
આલેખન: રિધ્ધિ ત્રિવેદી

