Himmatnagarતા.૨૩
રાજ્યમાં હાલ લગભગ મોટાભાગના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હવામાનની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જો આપણે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો અહીં ખેડબ્રહ્મા પંથકમાં સરેરાશ ૧૫ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ તરફ હવે ભારે વરસાદને કારણે કૃષિપાકને ભારે નુકશાનની સંભાવના છે. આ સાથે નીચાણવાળા વિસ્તારો પણ જળમગ્ન બન્યા છે.
સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. વિગતો મુજબ અહીં ૧૫ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક કક્ષાએ પારાવાર સમસ્યાઓ ઊભી થઈ છે. આ સાથે ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા,ગલોડીયા તેમજ રોધરા ગામે ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઇ છે. રોધરા ગામે ૭૦૦ એકર જેટલી જમીન ઉપર ખેતી નિષ્ફળ જવાની સંભાવનાઓ છે તો બીજી તરફ ૪ જેટલા પશુઓના મોત થયા છે.
સાબરકાંઠાના ખેડબ્રહ્માના રોદરા ગામે ગત રાત્રે થયેલા ૧૫ ઇંચ જેટલા વરસાદના પગલે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ ૧૫ ઇંચ વરસાદના પગલે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા તો બીજી તરફ ૭૦૦ એકર જેટલી જમીન ઉપર મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે.
આ સાથે ૧૦૦ ટકા ડ્રીપ ધરાવનારા ગામની સમગ્ર ટપક સિંચાઈ પણ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ચૂકી છે જેના પગલે ખેડૂતોને પાક સહિત ડ્રીપ તણાઈ જવાથી વ્યાપક નુકસાન સર્જાયું છે. વિગતો મુજબ અડધી રાત્રે આવેલા પૂરના પગલે ૧૦ થી ૧૫ જેટલા પશુઓના પણ મોત થયા છે. ગામમાં થયેલા પારાવાર નુકસાનના મામલે સ્થાનિકો તંત્ર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે.
સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરોજ ૬ વાગ્યાથી આજે સવારે ૬ વાગ્યા સુધી અનરાધાર વરસાદ ખાબક્યો હતો. ભારેથી અતિભારે વરસાદને કારણે પંથકના રોધરા સહિત આસપાસના ગામોમાં વ્યાપક તારાજીના સર્જાઇ છે. અહીં ગામમાં ૭૦૦ એકર જેટલી જમીન ઉપર વરસાદી પાણી ફરી વળવાની સાથે સાથે મોટાભાગનો પાક નિષ્ફળ થવાની સ્થિતિ સર્જાઇ છે. જોકે આવનારા સમયમાં રાજ્ય સરકાર સહિત વહીવટી તંત્ર દ્વારા સ્થાનિકોને મદદની વ્યાપક અપેક્ષા છે.