Junagadh તા. ૨૭
જુનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ રંગેચંગે યોજાય રહ્યો છે, આજે બીજા દિવસે શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ અને પાણી પુરવઠા વિભાગના ઉપાસચિવ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં ભુલકાઓએ શાળા પ્રવેશના શ્રી ગણેશ કર્યા હતા.
કોઈપણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહી જાય તે હેતુ સાથે સરકાર દ્વારા કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં બીજા દિવસે બાંટવા ખાતે શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ બળવંતરાય મિસ્ત્રી તથા મહાનુભાવોના હસ્તે કીટ અર્પણ કરી ભૂલકાઓને રંગેચંગે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે બાંટવા ચિફ ઓફિસર, તાલુકા શિક્ષણ અધિકારી, શિક્ષક સંધના પ્રમુખ, પદાધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આવી જ રીતે નર્મદા જળ સંસાધન અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના ઉપસચિવ ખ્યાતિબેન નૈનુજીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ તાલુકાના બામણગામ પ્રાથમિક શાળા, ડેરવાણ પ્રાથમિક શાળા, ચોકલી પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયા હતા. જેમાં આંગણવાડી, બાલવાટિકા અને પ્રાથમિક શાળામાં બાળકોનો ઉમંગભેર શાળા પ્રવેશ કરાવાયો હતો. આ તકે મહાનુભાવોના હસ્તે શાળાઓના ધો. ૧ થી ૮ના તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.