Ahmedabad,તા.૨૭
ગુજરાત રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે શાળા પ્રવેશોત્સવની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યભરમાં ૧૮થી ૨૦ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી તેમજ રાજ્ય મંત્રીમંડળના સભ્યો વિવિધ જિલ્લાઓમાં હાજરી આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા શાળા પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ બાળકોને શાળામાં દાખલ કરાવવા, ડ્રોપઆઉટ દર ઘટાડવા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનું મહત્વ સમજાવવા માટે આ અભિયાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મળતી માહિતી મુજબ, રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો, શિક્ષણ અધિકારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં જોડાશે. વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, સ્કૂલ કિટ અને અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવશે.
હાલ રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અને હવામાનને ધ્યાનમાં રાખીને કાર્યક્રમની રૂપરેખામાં જરૂર મુજબ ફેરફાર પણ કરવામાં આવી શકે છે. સરકાર દ્વારા ટૂંક સમયમાં જિલ્લાવાર કાર્યક્રમોની વિગત જાહેર કરવામાં આવશે. શાળા પ્રવેશોત્સવને લઈને શિક્ષણ વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તમામ જિલ્લાઓને જરૂરી માર્ગદર્શિકા પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.

