New Delhi,તા.29
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આગામી તા.31મીથી ચીન યાત્રા એ લગભગ આઠ વર્ષ પછી ભારત અને ચીનના સંબંધોને એક નવી દિશા આપવા માટે મહત્વના બની જનાર છે તે સમયે બંને દેશો વચ્ચે જે લાંબા સમયથી ગલવાન ઘાટીના વિવાદ અને અન્ય વિવાદોના કારણે તનાવ હતો.
તે ઓચિંતો જ પીગળવા લાગ્યો છે તેની પાછળ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર જે ઉંચા ટેરીફ લગાવાયા છે તે સંદર્ભ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગનો એક પત્ર જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખાયો હતો તેણે બંને દેશોના સંબંધો સુધારવામાં અને વડાપ્રધાનની ચીન યાત્રા નિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું મનાય છે.
વાસ્તવમાં જયારથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતા સંભાળ્યા બાદ ટેરીફ મુદે ભારત સહિત દેશોને ડરાવવાનું શરુ કર્યુ હતું અને 2 એપ્રિલના રોજ વધારાના ટેરીફ લાદવાની જાહેરાત કરી તે પુર્વે માર્ચ 2025માં જ જીનપિંગ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આ પત્ર પાઠવ્યો હતો જે બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો હતો.
ગ્લુમબર્ગના રિપોર્ટ મુજબ ચીનના રાષ્ટ્રપતિએ આ પત્ર પણ ભારત અને અમેરિકા જે કાંઈ સંધી કરે અથવા વ્યાપાર કરાર કરે તો તેને ચીનના હિત વિરુદ્ધ જશે તેવું ગણાવાયુ હતું. એટલું જ નહી જીનપિંગે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારાની આશા દર્શાવી હતી અને અમેરિકા સામે ભારત અને ચીન એક સાથે આવે તો ઘણો ફર્ક પડશે તેવું પણ જણાવ્યુ હતું. જો કે બંને દેશોમાંથી કોઈએ આ પત્ર અંગે સતાવાર કોઈ માહિતી આપી નથી.
પરંતુ રિપોર્ટ મુજબ આ પત્ર બાદ ભારત અને ચીનના સંબંધોમાં સુધારા થવા લાગ્યા હતા. બંને દેશો વચ્ચે સીધી વિમાની સેવા શરુ થઈ. ચીનની કંપનીઓ માટે ભારતના દરવાજા વધુ ખુલશે તે નિશ્ચિત થયુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા પણ નિશ્ચિત થઈ.
આમ જીનપિગના એક પત્રએ ટ્રમ્પની બાજી ઉંધી વાળી હોય તેવુ પણ વિશ્લેષણ થાય છે અને અમેરિકાના ટેરીફે ભારત અને ચીનને નજીક લાવ્યા છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે તા.31થી ચીનમાં છે તે સમયે બંને દેશો વચ્ચેના સંબંધો કેવા નવા સ્વરૂપમાં બને છે તેના પર સૌની નજર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.31 ના રોજ ચીન પહોંચશે અને શાંઘાઈ કો-ઓપરેશન બેઠકમાં હાજરી આપશે અને આ દરમ્યાન જ તેઓ ચીનના રાષ્ટ્રવડા જીનપીંગ સાથે દ્વિપક્ષી મંત્રણા કરશે.
ખાસ કરીને ચીનની કંપનીઓને ભારતમાં મુડી રોકાણ માટે વધુ વિઝા સહીતની સુવિધાઓ આપવા અને ટીકટોક સહિતના જે ચાઈનીઝ એપ પર ભારતમાં પ્રતિબંધ છે તે દુર કરવા સહિતનાં મુદ્દે ચર્ચા થશે