Savarkundla,
સાવરકુંડલા સ્થિત નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી ડી કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર સંઘવી કોમર્સ કોલેજ ખાતે આજરોજ તારીખ ૨૬ જુલાઈ શનિવારના રોજ ‘કારગીલ વિજય દિવસ” ની એક વિશેષ ઉજવણી કરવામાં આવી. આશરે ૯૦ દિવસ ચાલેલા યુદ્ધ બાદ ૨૬ જુલાઈ ૧૯૯૯ ના રોજ ભારતીય સેનાએ કારગિલ પર પુનઃ કબજો મેળવ્યો. જેની યાદગીરી અને શહીદી વહોરનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા અર્થે આ દિવસ મનાવવામાં આવે છે. જેનું કાણકીયા કોલેજ ખાતે ખુબ જ સરસ આયોજન થયું હતું. કાણકીયા કોલેજના અધ્યાપક હૈદરખાન પઠાણ દ્વારા ppt ની રજૂઆત સાથે કારગિલ વિજય દિવસ અંગે ખુબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું. ભારતને આ ઐતિહાસિક વિજય કેવી રીતે મળ્યો અને ભારતીય સેનાના જવાનોની કુરબાની વગેરે બાબતો વિશે દેશભક્તિથી તરબોળ એવા વકતવ્યથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ તકે કોલેજના આચાર્ય ડો. એસ.સી. રવિયા સાહેબે પણ ‘કારગિલ વિજય દિવસ’ સંદર્ભે ભારતના ઐતિહાસિક વિજયને યાદ કરી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ વિષય સંદર્ભે એક દસ્તાવેજી વિડીયો પણ દર્શાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ રાજકોટથી ખાસ પધારેલા “નવયુગ એજ્યુકેશનલ ટ્રસ્ટ”ના સંચાલક ભાવિનભાઈ માંકડ અને સલીમભાઈએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમની તૈયારીઓ કેવી રીતે કરવી અને વાંચનની કઈ પદ્ધતિથી સફળતા મળી શકે વગેરે અનેક બાબતો ઉદાહરણ સહિત દર્શાવીને વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું. અને જે વિદ્યાર્થીઓના જીવનનો ધ્યેય આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી અને કોઈ હોદ્દા ઉપર નોકરી મેળવવાનું હોય તો તેઓ આ બંને સંચાલકોનો ગમે ત્યારે સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે.
આ તકે ગ્રામ્ય વિસ્તારના કોલેજના વિદ્યાર્થીઓને અત્યંત મહત્વની અને ઉપયોગી એવી માહિતી આપવા બદલ કોલેજના પ્રિન્સિપાલ રવિયા સાહેબે પણ પધારેલ મહેમાનો પરત્વે પોતાની કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી અને આશા વ્યક્ત કરી કે કાણકીયા કોલેજના વિદ્યાર્થીઓ સરકારી, અર્ધસરકારી કે બેન્કિંગ વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દા ઉપર નોકરી પ્રાપ્ત કરે.