Maharashtra,તા.07
મહારાષ્ટ્ર કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને અકોલા લોકસભા બેઠકના પૂર્વ ઉમેદવાર હિદાયતુલ્લાહ પટેલની મંગળવારે (છઠ્ઠી જાન્યુઆરી) બપોરે અકોલા જિલ્લામાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. મસ્જિદમાં નમાઝ પઢીને બહાર નીકળી રહેલા 66 વર્ષીય પટેલ પર હુમલાખોરે ચપ્પાના અનેક ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પટેલનું બુધવારે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
અહેવાલો અનુસાર, મંગળવારે (છઠ્ઠી જાન્યુઆરી) બપોરે હિદાયતુલ્લાહ પટેલ અકોલા જિલ્લાના અકોટ તાલુકાના મોહલા ગામ સ્થિત મસ્જિદમાં નમાઝ પઢવા ગયા હતા. નમાઝ પૂર્ણ કરીને તેઓ જ્યારે બહાર આવી રહ્યા હતા, ત્યારે હુમલાખોરે તેમના પર ઓચિંતો હુમલો કર્યો હતો. હુમલાખોરે તેમના પર ચપ્પા વડે હુમલો કરી છાતી અને ગરદનના ભાગે ગંભીર ઘા ઝીંક્યા હતા. ઘટના બાદ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, વધુ પડતું લોહી વહી જવાને કારણે તબીબો તેમને બચાવી શક્યા ન હતા.
પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને 22 વર્ષીય ઉબેદ ખાન કાલુ ખાન નામના યુવકની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે નીચેની વિગતો સામે આવી છે.પોલીસના જણાવ્યાનુસાર, હિદાયતુલ્લાહ પટેલ અને આરોપીના પરિવાર વચ્ચે લાંબા સમયથી જૂની દુશ્મનાવટ ચાલી રહી હતી. આ દુશ્મનાવટના કારણે જ હુમલાખોરે તક જોઈને પટેલ પર જીવલેણ હુમલો કર્યો હોવાનું મનાય છે.હિદાયતુલ્લાહ પટેલ મહારાષ્ટ્ર કોંગ્રેસનો મોટો ચહેરો હતો. તે 2019ની લોકસભા ચૂંટણી અકોલા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર લડ્યા હતા. આ હાઈ-પ્રોફાઈલ હત્યાના પગલે અકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં તણાવ પ્રસર્યો છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે

