New Delhi,તા.9
દેશમાં દર વર્ષે લાખો લોકો સડક અકસ્માતનો ભોગ બને છે. સમયસર ઈલાજ ન મળવાથી મોટી સંખ્યામાં જીવ જાય છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સડક સુરક્ષા માટે એક ઐતિહાસિક અને માનવીય નિર્ણય લીધો છે.
હવે સડક અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને દેશભરમાં 1.5 લાખ રૂપિયા સુધીનો કેશલેસ ઈલાજ મળશે. આ સુવિધા અકસ્માત પછી મહત્તમ 7 દિવસ સુધી ઉપલબ્ધ રહેશે. સાથે જ સડક અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર નાગરિકોને સરકારની રાહવીર યોજના હેઠળ 25 હજાર રૂપિયાનો ઈનામ આપવામાં આવશે.
આ નિર્ણયને સડક સુરક્ષાના ક્ષેત્રમાં મોટો સુધારો માનવામાં આવે છે, જેનાથી માત્ર જાન બચાવવામાં મદદ મળશે પરંતુ સામાન્ય નાગરિકોને પણ મદદ માટે આગળ આવવાનું પ્રોત્સાહન મળશે.કેન્દ્ર સરકાર સડક અકસ્માતોમાં થતા મોતને ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
ભારતમાં સડક અકસ્માત માત્ર ટ્રાફિક સમસ્યા નથી પરંતુ એક ગંભીર સામાજિક અને જાહેર આરોગ્ય સંકટ બની ગયા છે. આંકડાઓ અનુસાર, દર વર્ષે દેશમાં લાખો અકસ્માત થાય છે, જેમાં હજારો લોકો જાન ગુમાવે છે અથવા આજીવન અપંગ બને છે.
સરકારનું માનવું છે કે, અકસ્માત પછી ગોલ્ડન અવરમાં જો ઘાયલને સાચો ઈલાજ મળી જાય તો તેનો જીવ બચાવી શકાય છે. આ જ વિચારધારા હેઠળ આ કેશલેસ ઈલાજ યોજના લાવવામાં આવી છે.
નવી યોજના હેઠળ સડક અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સરકારી અને સૂચિબદ્ધ ખાનગી હોસ્પિટલોમાં 1.5 લાખ રૂપિયા સુધીનો કેશલેસ ઈલાજ મળશે. આ ઈલાજ અકસ્માત પછી 7 દિવસ સુધી માન્ય રહેશે.
ઈલાજનો ખર્ચ ઈન્શ્યોરન્સ કંપનીઓ ઉઠાવશે જે કેસમાં વીમો નહીં હોય ત્યાં ખર્ચ સરકાર રોડ સેફ્ટી ફંડમાંથી ઉઠાવશે. ઘાયલ વ્યક્તિ અથવા તેના પરિવારને હોસ્પિટલમાં કોઈ આગોતરી રકમ જમા કરાવવી પડશે નહીં. આનો સૌથી મોટો ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળશે, જે મોટાભાગે પૈસાની અછતને કારણે સમયસર ઈલાજ નથી કરાવી શકતા.
આ યોજના પહેલા પાયલટ પ્રોજેક્ટ તરીકે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમલમાં મૂકવામાં આવી હતી… તેમાં અસમ, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, પુડુચેરી, ઉત્તર પ્રદેશ સામેલ છે.
આ રાજ્યોમાં યોજનાના સકારાત્મક પરિણામો સામે આવ્યા. મોટી સંખ્યામાં ઘાયલોને સમયસર ઈલાજ મળ્યો અને મોતમાં ઘટાડો નોંધાયો. આ જ સફળતાના આધારે હવે કેન્દ્ર સરકાર તેને આખા દેશમાં અમલ કરવાની તૈયારી કરી રહી છે.

