Mumbai,તા.26
મુંબઇ શેરબજારમાં બે દિવસની વિજળીક તેજી બાદ આજે બેતરફી વધઘટનો માહોલ રહ્યો હતો. પસંદગીના ધોરણે લેવાલી હતી. કેટલાંક હેવીવેઇટ શેરો વેચવાલીના દબાણથી નીચા આવ્યા હતા.
શેરબજારમાં આજે માનસ સાવચેતીનું હતું. શરૂઆત ફલેગ હતી. ટ્રેડિંગ સમય દરમ્યાન બેતરફી વધઘટ આવતી રહી હતી. રિઝર્વ બેન્ક વ્યાજદર ઘટાડશે કે કેમ તેની અટકળો, ઇઝરાયેલ યુધ્ધમાં સમાધાનના પ્રયાસો, વિદેશી નાણાં સંસ્થાઓની ધીમી પડેલી વેચવાલી જેવા કારણોથી રાહત હતી છતાં ઉંચા મથાળે વેચવાલી હતી.
શેરબજારમાં આજે શ્રીરામ ફાઇનાન્સ, બ્રીટાનીયા, ઇન્ફોસીસ, ભારત ઇલે., જેએસડબલ્યુ સ્ટીલ, રીયાલન્સ, ટીસીએસ, ટાઇટન, એશિયન પેઇન્ટસ ઉંચકાયા હતા. લાર્સન, મહિન્દ્ર, મારૂતી, એનટીપીસી, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, અલ્ટ્રાટેક, બજાજ ઓટો, બીએસઇમાં ઘટાડો હતો. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, અદાણી ગ્રીન જેવા અદાણી ગ્રુપના શેરોમાં વેચવાલી હતી.
મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 60 પોઇન્ટના ઘટાડાથી 80050 હતો તે ઉંચામાં 80482 તથા નીચામાં 79798 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 17 પોઇન્ટ ઘટીને 24205 હતો તે ઉંચામાં 24343 તથા નીચામાં 24125 હતો.