સુકેશ સાથે સૌથી વધુ નિકટતા હોવાથી ડોક્યુ સિરીઝના મેકર્સને જેકલીનના અનુભવ જાણવા છે
Mumbai, તા.૨૯
મહાઠગ સુકેશ ચંદ્રશેખર લાંબા સમયથી જેલવાસમાં હોવા છતાં સતત ચર્ચામાં રહે છે. સુકેશની ધરપકડ બાદ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ સાથેની નિકટતાએ ચકચાર જગાવી હતી. રૂ. ૨૦૦ કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ સુકેશ પર લાગી રહ્યો છે. સુકેશના કારણે ૨૦૨૧ના વર્ષથી જેકલીનને કોર્ટ અને તપાસ એજન્સીઓના ધક્કા ખાવા પડે છે. સુકેશના જીવન આધારિત ડોક્યુ સિરીઝ બનાવવાની તજવીજે જેકલીનની ચિંતા વધારી દીધી છે. સુકેશ ચક્રવર્તીઓ મોટી ડંફાસો મારી અનેક સેલિબ્રિટીઝ સાથે નિકટતા કેળવી હતી. આ તમામમાં સૌથી વધુ નિકટતા જેકલીન સાથે હતી, જેથી સુકેશ સાથે જેકલીનના અનુભવોને જાણવામાં ડોક્યુ સિરીઝના મેકર્સે ઉત્સુકતા દર્શાવી છે. જેકલીનને કરોડો રૂપિયાની વસ્તુઓ ભેટમાં આપી હોવાનો દાવો સુકેશે કર્યો છે, જ્યારે જેકલિને તેના દાવાઓને નકારી દીધા છે. સુકેશે કૌભાંડોની શરૂઆત લોટરીથી કરી હતી અને બાદમાં મોટા નેતાઓના નામ વટાવી કરોડો રૂપિયાની ઠગાઈ કરી હતી. લક્ઝુરિયસ લાઈફ જીવતા સુકેશે ઘણાં હાઈ પ્રોફાઈલ લોકોને મોંઘી ભેટો આપી હતી. જો કે જેકલીન અને સુકેશના સંબંધો વધારે અંગત હતા. સુકેશની કરતૂતો અને તેની લાઈફસ્ટાઈલ અંગે જેકલીન પાસે જાત માહિતી છે. તેથી ડોક્યુ સિરીઝના મેકર્સ જેકલીન પાસેથી આ તમામ અનુભવો જાણવા ઉત્સુક છે. ડોક્યુ સિરીઝ સાથે વાત કરવામાં જેકલીનને ખાસ વાંધો નથી, પરંતુ તેમાં કયા દૃષ્ટિકોણને રજૂ કરવામાં આવશે તેની જેકલીનને ચિંતા સતાવી રહી છે. સુકેશના જીવન આદારિત સ્ટોરીને સાયકોલોજિકલ થ્રિલરની સાથે એક કેસ સ્ટડીની જેમ રજૂ કરવાનું આયોજન છે. કોર્ટમાં ચાલેલી કાર્યવાહી ઉપરાંત સુકેશે આપેલી કરોડો રૂપિયાની લાંચ અને બનાવટી સોદાઓને પણ ડોક્યુ સિરીઝમાં આવરી લેવાશે. સુકેશ પોતાની ઓળખ કઈ રીતે આપતો હતો અને તેની લાઈફ સ્ટાઈલ કેવી હતી? વગેર જેવી વિગતોને ડોક્યુ સિરીઝમાં સમાવવામાં આવશે. સુકેશના જીવનના વિવિધ પાસાને રજૂ કરવી કવાયત દરમિયાન પોતાને નુકસાન કરે અથવા છાપ બગાડે તેવી કોઈ બાબત બહાર આવી જવાની બીક જેકલીનને લાગી રહી છે.